તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
મોંઘવારી મુદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આક્ષેપો પર ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલનો વળતો પ્રહાર : કોંગ્રેસના શાસનમાં મોંઘવારીનો દર ૧૮ થી ૨૦ ટકા સુધી પહોંચતો હતો
વર્ષ ૨૦૧૪ બાદ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં મોંઘવારી સતત નિયંત્રણમાં હોવાનો દાવો : વૈશ્વિક જિયોપોલિટિકલ પરિસ્થિતિ અને હોર્મુઝની કટોકટીને કારણે ક્રૂડ ઓઈલ તથા શિપિંગ ખર્ચ વધ્યા છતાં સરકારે સપ્લાય ચેઇન જાળવી રાખવા આગોતરું આયોજન કર્યું હોવાનું નિવેદન

અમદાવાદ: મોંઘવારીના મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવેલા નિવેદન સામે ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે તીખી પ્રતિક્રિયા આપતા તેને માત્ર એક રાજકીય નિવેદન ગણાવ્યું છે. ડૉ. અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન દેશમાં મોંઘવારીનો દર ૧૮ થી ૨૦ ટકા સુધી રહેતો હતો અને મનમોહનસિંહની સરકારના સમયમાં મોંઘવારીની શું સ્થિતિ હતી તે સમગ્ર દેશ જાણે છે. તેની સામે વર્ષ ૨૦૧૪ પછી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે મોંઘવારીના દરને સતત નિયંત્રણમાં રાખવામાં સફળતા મેળવી છે.
જથ્થાબંધ અને છૂટક ભાવ સૂચકાંકનો તફાવત સમજવા સલાહ:
ભાજપના મુખ્ય પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે અમિત ચાવડાએ જથ્થાબંધ ભાવ સૂચકાંક એટલે કે ડબલ્યુપીઆઈ અને છૂટક ભાવ સૂચકાંક એટલે કે આરપીઆઈ વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. હાલમાં ડબલ્યુપીઆઈમાં જે વધારો જોવા મળી રહ્યો છે, તેની પાછળ વર્તમાન વૈશ્વિક જિયોપોલિટિકલ પરિસ્થિતિ જવાબદાર છે. વિશ્વના જુદા-જુદા દેશોમાં મોંઘવારીની સ્થિતિ અને માલસામાનના સપ્લાયની સ્થિતિ શું છે તેનો કોંગ્રેસ પ્રમુખે અભ્યાસ કરવો જોઈએ. ખાસ કરીને હોર્મુઝની પરિસ્થિતિને કારણે શિપિંગ ઇન્ડસ્ટ્રી પર આર્થિક બોજો વધ્યો છે અને બીજી તરફ ક્રૂડ ઓઈલ તથા નેચરલ ગેસ જેવા એનર્જી ક્ષેત્રના ભાવમાં પણ વૈશ્વિક સ્તરે વધારો થયો છે.
સપ્લાય ચેઇન જાળવવા અને નાગરિકોને રાહત આપવા સરકારના પ્રયાસો:
વૈશ્વિક પડકારો વચ્ચે પણ કેન્દ્ર સરકારે સપ્લાય ચેઇન ન ખોરવાય, ભાવ નિયંત્રણમાં રહે અને ભવિષ્યમાં પણ આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કર્યું હોવાનું ડૉ. અનિલભાઈ પટેલે સ્પષ્ટ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે નાફેડ જેવી સરકારી સંસ્થાઓ દ્વારા વેપારીઓને સબસિડીના ભાવે ટામેટાં, ડુંગળી અને લોટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દેશમાં ખાદ્ય સામગ્રીની કોઈ અછત ઊભી ન થાય તે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે અને દેશની વિવિધ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકને મોંઘવારીની અસરથી બચાવવાનો છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
