News of Saturday, 25th July 2026
બનાસકાંઠામાં કોંગ્રેસ MLA કાંતિ ખરાડી ભૂલ્યા ભાન: NEET પરીક્ષાના વિરોધ પ્રદર્શનમાં પોલીસ સાથે ઘર્ષણ બાદ મચાવ્યો ભારે હાઈવોલ્ટેજ ડ્રામા!
અટકાયત કરાતાં જ આક્રમક બનેલા ધારાસભ્ય અને ખાખી વચ્ચે ઉગ્ર બહેસ: પોલીસકર્મીઓ સામે જીભ લપસી જતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને રાજકીય ગરમાવો લાવનારો કિસ્સો સામે આવ્યો છે. NEET પરીક્ષાના વિરોધમાં આયોજિત પ્રદર્શન દરમિયાન એક જવાબદાર લોકપ્રતિનિધિ અને પોલીસ તંત્ર વચ્ચે મોટો ટકરાવ જોવા મળ્યો હતો. અટકાયત કરવા ગયેલી પોલીસ ટીમ સામે દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેમણે મર્યાદા ઓળંગતા ખાખી ધારીઓ સાથે ભારે ઘર્ષણ કર્યું હતું.
સમગ્ર ઘટનાની વિગત મુજબ, બનાસકાંઠામાં NEET પરીક્ષાના મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. માહોલ વધુ વણસે નહીં તે માટે પોલીસે તકેદારીના ભાગરૂપે પ્રદર્શનકારીઓને ડિટેઈન કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જ્યારે પોલીસે ધારાસભ્ય કાંતિ ખરાડી અને તેમના સમર્થકોને ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ધારાસભ્ય અચાનક ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ કર્મચારીઓ સામે તેમની ભાષા પરનો સંયમ ગુમાવી બેઠા હતા.
ઘટના સ્થળે હાજર લોકો દ્વારા ઉતારવામાં આવેલો આ હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધારાસભ્ય પોલીસ તંત્ર સામે ભારે આક્રમક અંદાજમાં બોલતા અને બહેસ કરતા નજરે પડે છે. આ બનાવને પગલે બનાસકાંઠા જિલ્લાના રાજકીય માહોલમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
એક તરફ પરીક્ષાના મુદ્દે વિદ્યાર્થીઓ અને વિપક્ષમાં રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આંદોલન દરમિયાન લોકપ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલા આવા વર્તનને લઈને હવે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં પણ તીખી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
