News of Friday, 23rd October 2026
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનો મોટો દાવો :ઉનાળામાં પાણીની કટોકટી સર્જાય તે પહેલા સરકાર વહેલી ચૂંટણી કરાવી શકે: જીતુભાઇ વાઘાણીએ પલટવાર કર્યો
મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે 2027માં પણ કોંગ્રેસ સત્તામાં નહીં આવે: રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ વહેલી ચૂંટણીની શક્યતાઓને સ્પષ્ટપણે નકારી કાઢી

અમદાવાદ:કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને વિરોધ પક્ષના અગ્રણી તુષાર ચૌધરીએ રાજ્ય સરકાર જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં વહેલી ચૂંટણી કરાવી શકે છે તેવો દાવો કરતાં રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જોકે આ દાવા સામે શાસક પક્ષ ભાજપે આકરો પલટવાર કર્યો છે, જ્યારે તટસ્થ રાજકીય નિષ્ણાતોએ પણ હાલના સંજોગોમાં વહેલી ચૂંટણીની કોઈ શક્યતા ન હોવાનું સ્પષ્ટ કર્યું છે.
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આગામી એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર કટોકટી સર્જાવાની ભીતિ છે. સરકાર પાણીના આ સંભવિત રોષથી બચવા માટે ઉનાળા પહેલાં એટલે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ ચૂંટણી કરાવી લઈને જનતા પાસેથી મતો મેળવી લેવાની પેરવી કરી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે તાજેતરના વિધાનસભા સત્ર દરમિયાન પણ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતમાં 5 મહત્વની માંગણીઓ મૂકવામાં આવી હતી, પરંતુ સરકાર ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર રાજકીય ગણતરીઓ કરી રહી છે.
તુષાર ચૌધરીના દાવાઓ સામે રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીએ આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "પ્રજાના સુખ-દુઃખ અને પાણીની વ્યવસ્થાની સંપૂર્ણ ચિંતા ભાજપ સરકાર કરી રહી છે. કોંગ્રેસ વહેલી ચૂંટણીના ભ્રમમાં ન રહે, વર્ષ 2027માં પણ કોંગ્રેસ સત્તા પર આવવાની નથી."
નર્મદા યોજનાનો ઉલ્લેખ કરતાં જીતુભાઈ વાઘાણીએ વિપક્ષ સામે સવાલ ઉઠાવ્યો હતો કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે વર્ષો સુધી સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા લગાવવાની મંજૂરી કેમ નહોતી આપવામાં આવી? તેમણે કોંગ્રેસને સ્પષ્ટતા કરવા પડકાર ફેંક્યો હતો કે ડેમનું કામ કઈ તારીખે પૂર્ણ થયું અને કોંગ્રેસે કયા કારણોસર તેને અટકાવી રાખ્યું હતું.
રાજ્યમાં વહેલી ચૂંટણીની ઉઠેલી અટકળો અંગે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ તાર્કિક વિશ્લેષણ રજૂ કરતાં જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવી પડે તેવી કોઈ પરિસ્થિતિ જ નથી. તેમણે મુખ્ય પરિબળો દર્શાવતાં જણાવ્યું કે ગુજરાતમાં હાલ શાસન વિરુદ્ધ કોઈ મોટો જનાક્રોશ કે રાજ્યવ્યાપી આંદોલનનો માહોલ નથી. રાજ્ય સરકારનું સમગ્ર વહીવટી તંત્ર હાલ આગામી વૈશ્વિક રોકાણ સમિટ 'વાઇબ્રન્ટ ગુજરાત'ની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે.
કેન્દ્રીય સ્તરે ભાજપ સંગઠનનું મુખ્ય ધ્યાન ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યોની ચૂંટણીઓ અને રાષ્ટ્રીય રાજકીય સમીકરણો પર કેન્દ્રિત છે. વિરોધ પક્ષ પણ હાલ સંગઠનાત્મક રીતે એટલો સક્રિય નથી કે તે વધુ બેઠકો જીતી શકે તેવી સ્થિતિમાં હોય. આ તમામ પાસાંઓને જોતાં વિશ્લેષકોના મતે વહેલી ચૂંટણીની વાતો માત્ર એક રાજકીય નિવેદનબાજી અને ચર્ચામાં રહેવાનો પ્રયાસ છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
