<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

દારૂની ખાલી બોટલ લાવનારને ₹100 આપવાની જાહેરાત કરવા બદલ કોંગ્રેસ નેતા સ્વેજલ વ્યાસ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

સોશિયલ મીડિયામાં આ વાયરલ પોસ્ટ દ્વારા પોલીસને ખુલ્લો પડકાર આપવા અને જાહેર શાંતિનો ભંગ કરવાનો આરોપ:પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

વડોદરા :સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દારૂની ખાલી બોટલોને લઈને એક અનોખી અને વિવાદાસ્પદ જાહેરાત કરનાર કોંગ્રેસના સ્થાનિક નેતા મુશ્કેલીમાં મુકાયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક પોસ્ટના મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને કોંગ્રેસના આગેવાન સ્વેજલ વ્યાસ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

 

મળતી માહિતી મુજબ, કોંગ્રેસના આગેવાન સ્વેજલ વ્યાસ દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં તેમણે એવી જાહેરાત કરી હતી કે દારૂની ખાલી બોટલ લાવી આપનાર વ્યક્તિને ₹100 આપવામાં આવશે. ગુજરાતમાં સત્તાવાર રીતે દારૂબંધી અમલમાં હોવા છતાં, આ પ્રકારે દારૂની ખાલી બોટલો એકત્રિત કરવાની જાહેરાત વાયરલ થતાં જ સ્થાનિક રાજકારણ અને પોલીસ તંત્રમાં ભારે ચર્ચા જાગી હતી.

આ પોસ્ટ વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. સ્વેજલ વ્યાસ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે આ પોસ્ટના માધ્યમથી પોલીસ પ્રશાસનને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ ઉપરાંત, આ પ્રકારની પોસ્ટથી સમાજમાં નકારાત્મક સંદેશ જાય છે અને જાહેર શાંતિનો ભંગ થઈ શકે છે, તેવો આરોપ પણ તેમના પર લગાવવામાં આવ્યો છે.

 

આ સમગ્ર સોશિયલ મીડિયા પોસ્ટ મામલે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસી નેતા સામે વિધિવત રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે જાહેર શાંતિ ભંગ થાય તેવી પોસ્ટ કરવાના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના હાલ વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

(3:38 PM IST)