<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

અમદાવાદ-વડોદરામાં કોંગ્રેસનો આંતરિક કકળાટ ચરમસીમાએ: વિપક્ષ નેતા નક્કી કરવા દિલ્હીથી નિરીક્ષકો મેદાનમાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામોના પાંચ મહિના બાદ પણ અમદાવાદ અને વડોદરામાં વિપક્ષના નેતાની વરણી ન થતાં કોંગ્રેસ હાઈકમાન્ડે આ મામલે સીધી દખલગીરી કરીને કેન્દ્રીય નિરીક્ષકોને જવાબદારી સોંપી છે.

અમદાવાદ : ગુજરાતના રાજકારણમાં હાલ ચર્ચાનો વિષય બનેલા અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાની પસંદગી બાબતે કોંગ્રેસ પક્ષની અંદર ચાલી રહેલો આંતરિક વિવાદ વણઉકેલાયેલો રહેતા અંતે દિલ્હી હાઈકમાન્ડે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચૂંટણી પરિણામો જાહેર થયાના પાંચ મહિનાનો લાંબો સમય વીતી જવા છતાં પક્ષમાં ચાલી રહેલી જૂથબંધી અને ખેંચતાણને કારણે વિપક્ષ નેતાનું નામ નક્કી થઈ શક્યું નથી, જેને લઈને કોંગ્રેસના ઈતિહાસમાં કદાચ પહેલીવાર મહાનગરપાલિકા સ્તરે નેતાની વરણી કરવા માટે દિલ્હીથી ખાસ નિરીક્ષકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ મહત્વપૂર્ણ જવાબદારી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રાજસ્થાનના ગંગાનગરના સાંસદ કુલદીપ ઇન્દોરાની નિરીક્ષક તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે, જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય સેક્રેટરી ગોપીનાથ પલાનીયપનને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને નિરીક્ષકો આગામી સમયમાં સ્થાનિક કોર્પોરેટરો અને પક્ષના હોદ્દેદારો સાથે રૂબરૂ બેઠક યોજીને નવેસરથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરશે અને ત્યારબાદ પોતાનો વિસ્તૃત અહેવાલ સીધો હાઈકમાન્ડને સુપરત કરશે.

સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓ ગ ગત ૨૬ એપ્રિલે સંપન્ન થઈ હતી અને ૨૮ એપ્રિલે તેના સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિપક્ષ નેતા પસંદ કરવા સ્થાનિક સ્તરે કવાયત પણ હાથ ધરાઈ હતી. પરંતુ બંને મહાનગરપાલિકાઓમાં અલગ-અલગ જૂથો પોતપોતાના માનીતા અને નિકટના કોર્પોરેટરને જ વિપક્ષ પદ પર બેસાડવા માટે અડિંગો જમાવીને બેસી રહેતા મામલો વધુ ગૂંચવાયો હતો અને પ્રદેશ કક્ષાના નેતાઓ પણ આ વિવાદ ઉકેલવામાં નિષ્ફળ રહ્યા હતા.

પક્ષના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ કક્ષાના નેતાઓ દ્વારા આ વિવાદને થાળે પાડવા અનેક વખત દિલ્હી હાઈકમાન્ડ સુધી દોડાદોડ કરવામાં આવી હોવા છતાં જૂથવાદને કારણે કોઈ સર્વસંમતિ સધાઈ શકી નહોતી, જેના પરિણામે હાઈકમાન્ડે સીધા કેન્દ્રીય નિરીક્ષકોને મોકલીને આંતરિક શિસ્ત જાળવવાનો કડક સંદેશ આપ્યો છે.

આ બંને મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની બેઠકોની સ્થિતિ જોઈએ તો, અમદાવાદની કુલ ૧૯૨ બેઠકોમાંથી શાસક પક્ષે ૧૬૦ બેઠકો મેળવી હતી જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર ૩૨ બેઠકો આવી હતી, તેવી જ રીતે વડોદરાની કુલ ૭૬ બેઠકોમાંથી શાસક પક્ષે ૬૯ બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને માત્ર ૬ અને અન્ય પક્ષને ૧ બેઠક પ્રાપ્ત થઈ હતી.

હવે દિલ્હીથી આવેલા આ ઉચ્ચસ્તરીય નિરીક્ષકો દ્વારા લેવામાં આવનારી સેન્સ અને તૈયાર થનારા રિપોર્ટના આધારે જ હાઈકમાન્ડ દ્વારા આગામી દિવસોમાં અમદાવાદ અને વડોદરાના વિપક્ષ નેતાઓના નામોની આખરી જાહેરાત કરવામાં આવશે, જેના પર સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોની મીટ નભેલી છે.

(7:06 PM IST)