<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

હોળીના દિવસે જ CBSE ધોરણ-૧૨ની પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓમાં મૂંઝવણ

તારીખ બદલવા માગ, અગાઉ ૨૦૨૫માં આવો જ વિવાદ થયો હતો CBSE ૨૦૨૭ના ટાઈમટેબલમાં ૨૨ માર્ચ હોળીના દિવસે ધોરણ-૧૨ની પાંચ વિષયોની પરીક્ષા

અમદાવાદઃ તા.૨૫: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન (CBSE) દ્વારા આગામી વર્ષ ૨૦૨૭ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્‍યો છે. જોકે, આ કાર્યક્રમમાં એક મોટી વિસંગતતા સામે આવી છે. બોર્ડના સમયપત્રક મુજબ, ધોરણ-૧૨ના પાંચ વિષયોની પરીક્ષા ૨૨ માર્ચ, ૨૦૨૭ના રોજ રાખવામાં આવી છે, પરંતુ કેલેન્‍ડર મુજબ તે જ દિવસે દેશભરમાં ઉત્‍સાહભેર ઉજવાતો હોળીનો તહેવાર આવે છે. તહેવારના દિવસે જ બોર્ડની પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તારીખ બદલાશે કે કેમ તે અંગે ભારે અવઢવ અને ચર્ચા જાગી છે.

CBSE બોર્ડે વિદ્યાર્થીઓને તૈયારી માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી ૬ નવેમ્‍બર, ૨૦૨૬ના રોજ પરીક્ષાના ૧૦૧ દિવસ અગાઉ જ ટાઈમટેબલ જાહેર કરી દીધું હતું. આ સમયપત્રક મુજબ ધોરણ-૧૦ અને ૧૨ની મુખ્‍ય પરીક્ષાઓ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૭થી શરૂ થવાની છે. જેમાં ધોરણ-૧૨ની પરીક્ષા ૯ એપ્રિલ, ૨૦૨૭ સુધી ચાલશે. આ દરમિયાન ૨૨ માર્ચના રોજ સવારના સત્રમાં કુલ પાંચ વિષયોની પરીક્ષા નિર્ધારિત કરવામાં આવી છે. હોળીના દિવસે ગોઠવાયેલા વિષયોમાં બેન્‍કિંગ, ઈલેક્‍ટ્રોનિક્‍સ ટેકનોલોજી, નોલેજ ટ્રેડિશન એન્‍ડ પ્રેક્‍ટિસ ઓફ ઈન્‍ડિયા તેમજ પ્રાદેશિક ભાષાના વિષયો ભોટી અને કોકબોરોકનો સમાવેશ થાય છે. રંગોત્‍સવના દિવસે પરીક્ષા કેન્‍દ્રો સુધી પહોંચવામાં વિદ્યાર્થીઓને પડનારી મુશ્‍કેલી અને તહેવારના માહોલને ધ્‍યાનમાં રાખીને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની માંગ ઉઠી રહી છે

(11:16 AM IST)