તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
વડોદરા અને પંચમહાલમાં જળબંબાકારની ચિંતા: ઉપરવાસમાં અનરાધાર વરસાદથી દેવ ડેમમાં નવા નીરનો ભરાવો, જળસપાટી જાળવવા ૪ દરવાજા ખોલાયા!
૧૬૯૪ ક્યુસેક પાણીની આવક સામે ૧૮૦૯ ક્યુસેક પાણી નદીમાં છોડાયું; કલેક્ટર ડૉ. અનિલ ધામેલીયાએ મોડી રાત્રે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી લીધી ડેમની સમીક્ષા, કાંઠાના ગામોને એલર્ટ

વડોદરા : વડોદરા અને પંચમહાલ જિલ્લાની આર્થિક તેમજ પીવાના પાણીની જીવાદોરી સમાન દેવ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શનિવારે તારીખ ૧ ઓગસ્ટના રોજ ડેમમાં નવા પાણીની તોતિંગ આવક થતાં જળસપાટી ૮૭.૪૯ મીટરે પહોંચી ગઈ છે. ડેમમાં પાણીનું સલામત સ્તર અને સંતુલન જાળવી રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા ડેમના ચાર દરવાજા ખોલીને દેવ નદીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.
૪ દરવાજા ૦.૧૫ મીટર ખોલાયા, ડેમ ૬૦% થી વધુ ભરાયો
સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ડેમમાં જળસપાટીનું નિયંત્રણ કરવા માટે ગેટ નંબર ૩, ૪, ૫ અને ૬ એમ કુલ ૪ દરવાજા ૦.૧૫ મીટર સુધી (કુલ ૦.૬૦ મીટર) ખોલવામાં આવ્યા છે. ડેમમાં હાલમાં ૧૬૯૪.૭૯ ક્યુસેક પાણીની નવી આવક સામે ૧૮૦૯.૧૫ ક્યુસેક પાણીનો આઉટફ્લો ચાલુ રાખવામાં આવ્યો છે. વર્તમાન સ્થિતિએ ડેમમાં ૩૪.૬૨૨૬ MCM જીવંત જળજથ્થો ઉપલબ્ધ છે, જે ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના ૬૦.૬૬ ટકા જેટલો થાય છે. નોંધનીય છે કે ડેમની ભયજનક સપાટી (FRL) ૮૯.૬૫ મીટર છે.
કલેક્ટર ડૉ. અનિલ ધામેલીયાની મોડી રાત્રે ઇમરજન્સી મુલાકાત
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલીયા પોતે મોડી રાત્રે દેવ ડેમ સાઇટ પર પ્રત્યક્ષ સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા. તેમણે ગેટ ઓપરેશન, કંટ્રોલ રૂમની સતત કામગીરી અને પાણીની આવક-જાવકના આંકડાઓની જાતતપાસ કરી હતી. ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના વચ્ચે કોઈ આપાતકાલીન સ્થિતિ ન સર્જાય તે માટે તેમણે સ્થળ પર જ હાજર ઈજનેરો અને અધિકારીઓને જરૂરી આદેશો આપ્યા હતા.
નદીપટમાં ન જવા અપીલ, તંત્ર દ્વારા ૨૪ કલાક મોનિટરિંગ
જિલ્લા કલેક્ટરે દેવ નદીના કાંઠા વિસ્તારમાં આવેલા નીચાણવાળા તમામ ગામોના લોકોને સંપૂર્ણ સાવચેત રહેવા અને ભૂલથી પણ નદીના પટમાં ન જવા કડક અપીલ કરી છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહી માત્ર વહીવટી તંત્રની સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવા જણાવ્યું છે. હાલમાં તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ મારફતે ડેમની સપાટી પર ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક નજર રાખવામાં આવી રહી છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
