<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ખેડા જિલ્લાના ફાગવેલના ચિખલોડ ગામમાં ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર : ત્રણેય બુથ પર સવારથી એક પણ મત ન પડ્યો

ચિખલોડ ગામને કપડવંજ તાલુકામાંથી ફાગવેલમાં સમાવેશ કરવાના વિરોધમાં ગ્રામજનોએ કર્યો મતદાનનો બહિષ્કાર, મતદાન મથક રહ્યું ખાલીખમ

ખેડા તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત ખેડા જિલ્લાના ફાગવેલ વિસ્તારના ચિખલોડ ગામમાં ગ્રામજનોએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. ગામના ત્રણેય મતદાન બુથ પર સવારથી એક પણ મતદારે મત આપ્યો નથી અને મતદાન મથક ખાલીખમ રહ્યું છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ ચિખલોડ ગામ અગાઉ કપડવંજ તાલુકાનો ભાગ હતું. તાજેતરમાં વહીવટી ફેરફાર કરીને ગામને ફાગવેલમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી નારાજ ગ્રામજનોએ ગામને કપડવંજ તાલુકામાં યથાવત રાખવાની માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.

 

ગ્રામજનોનો આક્ષેપ છે કે, ગામને ફાગવેલમાં સમાવવાથી વહીવટી કામોમાં તકલીફ પડશે અને ગામનું અસ્તિત્વ જોખમાશે. આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા અંતે મતદાનનો બહિષ્કાર કરવાનો માર્ગ અપનાવ્યો છે.

 

મતદાન મથકે ચૂંટણી સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ હાજર હોવા છતાં બુથ પર સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો. ચિખલોડ ગામના વિરોધને પગલે ફાગવેલ પંથકની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે.

(12:34 PM IST)