News of Tuesday, 26th May 2026
પાલનપુરમાં પતિએ પત્નીને ₹50 હજારમાં વેચી દીધી પછી ગૂમ થયાની ફરિયાદ નોંધાવી :તપાસમાં ચોંકાવનારા ખુલાસા
આરોપીએ પોતાની પત્નીને મિત્રો સાથે મળાવવાના બહાને લઈ જઈ અન્ય લોકોના હવાલે કરી: તપાસમાં દુષ્કર્મ અને માનવ વેંચાણના ગંભીર ખુલાસા:આરોપી નિકેશ પટેલ અગાઉ પણ અન્ય યુવતીઓને ફસાવી ભગાડવાના બનાવોમાં સંડોવાયેલ

બનાસકાંઠાના પાલનપુરમાંથી માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પતિએ પોતાની જ પત્નીને ₹50 હજારમાં વેચી દીધી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ દરમિયાન પોલીસે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
મળતી માહિતી મુજબ નિકેશ પટેલ નામના આરોપીએ પોતાની પત્નીને મિત્રો સાથે મળાવવાના બહાને લઈ જઈ અન્ય લોકોના હવાલે કરી દીધી હતી. ત્યારબાદ મહિલાને લઈ જનાર ઇસમોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો પણ આરોપ છે.તપાસમાં સામે આવ્યું છે કે બાદમાં થરાદની એક મહિલાની મદદથી ત્રણ શખ્શો સાથે પરિણીત મહિલાનો સોદો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
આરોપી પતિએ પત્નીને વેચી દીધા બાદ પોલીસમાં પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, પોલીસ તપાસ દરમિયાન ઘટનાના તંતુઓ જોડાતા સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું.પોલીસે ટેક્નિકલ અને સ્થાનિક તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચીને સમગ્ર મામલાનો ભંડાફોડ કર્યો છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી નિકેશ પટેલ અગાઉ પણ અન્ય યુવતીઓને ફસાવી ભગાડવાના બનાવોમાં સંડોવાયેલ હતો. ઉપરાંત તે પાલનપુર વિસ્તારમાં ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલ હોવાની માહિતી સામે આવી છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
