<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

અંબાજીમાં રાવણ દહન કાર્યક્રમ દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતાં ખળભળાટ : ભારે આક્રોશ

નાની બાળકી અને ગર્ભવતી મહિલા પણ પથ્થરમારાનો ભોગ બન્યાં હતાં. એક પોલીસકર્મીને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા

શક્તિપીઠ અંબાજીમાં રાવણ દહન કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. વિજયાદશમીના પર્વની ઉજવણી દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતાં 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં નાની બાળકીથી લઈને ગર્ભવતી મહિલા પણ પથ્થરમારાનો ભોગ બની છે. પોલીસની હાજરી વચ્ચે બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

અંબાજીમાં રાવણ દહન કાર્યક્રમ દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતાં ઉત્સવની ઉજવણી વચ્ચે ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, પથ્થરમારાની આ ઘટનામાં 3 થી 4 લોકોને ઇજાઓ પહોંચી છે. તહેવારની ઉજવણી દરમિયાન બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાહેર કાર્યક્રમમાં આવી ઘટના બનતાં લોકોની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

આ ઘટનાની સૌથી ચિંતાજનક બાબત એ છે કે પથ્થરમારામાં નાની બાળકી અને ગર્ભવતી મહિલા પણ નિશાને આવ્યાં હતાં. રાવણ દહન જેવા ધાર્મિક અને જાહેર કાર્યક્રમ દરમિયાન મહિલાઓ તથા બાળકોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. અસામાજિક તત્વોની આવી હરકતને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

પથ્થરમારાની ઘટનામાં એક પોલીસકર્મીને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે કાર્યક્રમ દરમિયાન પોલીસની હાજરી હોવા છતાં પથ્થરમારાની ઘટના બની હતી. આથી જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી અસરકારક છે તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

અંબાજી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગુંડાગીરી વધી રહી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. અગાઉ બનેલી હિંસક ઘટનાઓના આરોપીઓ હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં રાવણ દહન દરમિયાન ફરી પથ્થરમારાની ઘટના બનતાં સ્થાનિકોનો આક્રોશ વધ્યો છે.

(10:47 PM IST)