<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

અમદાવાદના સરદારનગરમાં AMC દ્વારા કોમર્શિયલ ડિમોલેશન: કોંગ્રેસના સંપર્ક કાર્યાલય સહિત અનેક દુકાનો તોડી પાડવામાં આવી

તંત્રનું કહેવું છે કે બાંધકામ ગેરકાયદેસર, જ્યારે કોંગ્રેસ વોર્ડ પ્રમુખે કોર્ટના સ્ટેનો હવાલો આપી કાર્યવાહીને ગેરકાયદે ગણાવી

અમદાવાદના સરદારનગર વોર્ડ અને નાના ચિલોડા વિસ્તારમાં આજે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કોમર્શિયલ ડિમોલેશનની કાર્યવાહી ભારે વિવાદનું કેન્દ્ર બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અહીં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ડિમોલેશન દરમિયાન કોંગ્રેસના સ્થાનિક સંપર્ક કાર્યાલયને પણ તોડી પાડવામાં આવ્યું હતું.

AMC ના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદેસર હતું , જેના કારણે કાયદાકીય પ્રક્રિયા બાદ તેને તોડી પાડવામાં આવ્યું છે. બીજી તરફ, કોંગ્રેસના વોર્ડ પ્રમુખ સનાભાઈ ભોઈ   એ આ કાર્યવાહીને અન્યાયી ગણાવી છે. તેમણે દાવો કર્યો હતો કે, આ મામલે કોર્ટ તરફથી સ્ટે હોવા છતાં તંત્ર દ્વારા જબરદસ્તીથી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. કોંગ્રેસના સમર્થકો ડિમોલેશન સ્થળ પર હાજર રહીને આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ પોલીસની ઉપસ્થિતિમાં આખી કોમર્શિયલ બિલ્ડિંગ અને કોંગ્રેસની ઓફિસ તોડી પાડવામાં આવી હતી.

આ કાર્યવાહીને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ કોર્પોરેશન પોતાની કામગીરીને યોગ્ય ઠેરવી રહ્યું છે, બીજી તરફ વિપક્ષ તેને રાજકીય કિન્નાખોરી ગણાવી રહ્યો છે. હાલ આ વિસ્તારમાં તંગદિલી જેવો માહોલ છે અને પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે.

(11:59 PM IST)