News of Tuesday, 28th April 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ : ત્રણ બેઠકો સિવાયના તમામ વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના અમલનો અંત
વિજયનગરની ચિતરીયા, બારડોલીની અસ્તાન અને બાવળાની દહેગામડા તાલુકા પંચાયતની બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાથી આચારસંહિતા યથાવત રહેશે

ગાંધીનગર : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટે અમલમાં મૂકવામાં આવેલી આદર્શ આચારસંહિતા મોટાભાગના વિસ્તારોમાં પૂર્ણ જાહેર કરવામાં આવી છે. રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ૧૧ નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલી ૧૩ બેઠકોની પેટા ચૂંટણી માટે ૧ એપ્રિલ ૨૦૨૬થી આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી.
આજ રોજ તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૬ના દિવસે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલ દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ, રાજ્યના ત્રણ ચોક્કસ વિસ્તારો સિવાયના તમામ વિસ્તારોમાં હવે આદર્શ આચારસંહિતા અમલમાં રહેશે નહીં.
જોકે, રાજ્ય ચૂંટણી આયોગના તાજેતરના આદેશ મુજબ ત્રણ બેઠકો માટે નવો ચૂંટણી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હોવાથી ત્યાં આચારસંહિતાનો અમલ ચાલુ રહેશે. આ ત્રણ બેઠકોમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની ૬-ચિતરીયા તાલુકા પંચાયત બેઠક, સુરત જિલ્લાના બારડોલી તાલુકાની ૩-અસ્તાન તાલુકા પંચાયત બેઠક અને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાની ૪-દહેગામડા તાલુકા પંચાયત બેઠકનો સમાવેશ થાય છે.
ઉક્ત ત્રણેય તાલુકા પંચાયત મતદાર મંડળોના વિસ્તારોમાં જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે તેવું આયોગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ સિવાયના રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયા અને મતગણતરી પૂર્ણ થતાં વહીવટી કામકાજમાં આચારસંહિતાના કારણે આવતા નિયંત્રણો હવે દૂર થયા છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
