<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ભરૂચમાં ઇન્સ્ટગ્રામ મારફતે કિશોરના સંપર્કમાં આવેલી ધોરણ-10ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ

આરોપ મુજબ કિશોરે વિદ્યાર્થીનીને સ્કૂલના ગેટ પરથી લઈ જઈ ચાવજના મકાનમાં બળજબરી કરી બાદમાં કબીરવડ લઈ જવાઈ

ભરૂચના એક વિસ્તારમાં ધોરણ-10 માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, વિદ્યાર્થીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈસ્ટાગ્રામ મારફતે એક સગીર કિશોરના સંપર્કમાં આવી હતી. પરિચય બાદ બંને વચ્ચે વાતચીત વધતી ગઈ હતી. આ દરમિયાન સગીર કિશોરે વિદ્યાર્થીનીને મળવા માટે અલગ-અલગ રીતે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

આક્ષેપો મુજબ, ઘટનાના દિવસે સગીર કિશોરે ભોગ બનનારની બહેનપણીના મોબાઈલ પર મેસેજ કર્યો હતો. તેમાં તેને સ્કૂલે નહીં જવા અને ફરવા જવા માટે આવવા જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રૂપિયા લઈને આવવા પણ કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીનીને સ્કૂલના ગેટ પાસેથી લઈ જઈ ચાવજ સ્થિત સિલ્પી સિટી સોસાયટીના મકાનમાં લઈ જવામાં આવી હતી.

પરિવારે પોલીસને આપેલી ફરિયાદ મુજબ, સગીર કિશોર વિદ્યાર્થીનીને મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં લઈ ગયો હતો. આરોપ છે કે બપોરના સમયગાળા દરમિયાન રૂમનો દરવાજો અંદરથી બંધ કરી સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થિનીએ તકલીફ અને દુખાવાની વાત કરી હોવા છતાં આરોપીએ તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું.

દુષ્કર્મ બાદ વિદ્યાર્થિનીને તકલીફ થઈ રહી હોવાનું જાણવા છતાં તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવાને બદલે કિશોર સગીરાને કબીરવડ ફરવા લઈ ગયો હતો. દરમિયાન વિદ્યાર્થીની સમયસર ઘરે પરત ન આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. તેમણે તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અગાઉ સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવેલા સગીર કિશોર અંગે પરિવારને શંકા ગઈ હતી.

પરિવારે સગીર કિશોરનો સંપર્ક કરતાં તે ગભરાઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ પરિવાર ચાવજ સ્થિત તેના ઘરે પહોંચ્યો હતો. દરમિયાન વિદ્યાર્થીની પણ ત્યાંથી પરત આવી હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનો દ્વારા પૂછપરછ કરવામાં આવતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ પરિવારજનો વકીલને સાથે રાખીને ભરૂચ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સગીર કિશોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પરિવારે વધુમાં આક્ષેપ કર્યો છે કે સગીર કિશોરે વિદ્યાર્થીની પાસે રૂપિયા મંગાવ્યા હતા. આથી વિદ્યાર્થીનીએ પોતાના ગલ્લામાંથી રોકડ રકમ લીધી હોવાનો અને ઘરમાંથી સોનાની ચેઈન પણ લઈ ગઈ હતી. પોલીસે તપાસ દરમિયાન સોનાની ચેઈન કબજે લીધી હોવાનું જણાવાયું છે.

ફરિયાદ મળ્યા બાદ ભરૂચ પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને સગીર કિશોર સામે દુષ્કર્મ, અપહરણ અને POCSO Act સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી સગીરને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ભોગ બનનાર સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

આ કેસમાં સગીર કિશોરના પરિવારજનોને ઘટનાની જાણ હતી કે નહીં અને કોઈએ તેને મદદ કરી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવાની માંગ ઉઠી છે. ફરિયાદી પક્ષ તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કિશોર વિદ્યાર્થીનીને મકાનના ઉપરના માળે લઈ ગયો ત્યારે પરિવારના અન્ય સભ્યો નીચેના રૂમમાં હાજર હતા. જો તપાસમાં પરિવારના કોઈ સભ્યની સંડોવણી અથવા જાણકારી સામે આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

આ ઘટનાએ સગીર બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ અને અજાણ્યા લોકો સાથેની ઓનલાઈન ઓળખાણને લઈને ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. Instagram જેવા પ્લેટફોર્મ પર અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કર્યા બાદ તેની સાથે વ્યક્તિગત મુલાકાત લેતી વખતે સગીરો જોખમમાં મુકાઈ શકે છે. ભરૂચના આ કિસ્સાને પગલે વાલીઓએ બાળકોના મોબાઈલ અને સોશિયલ મીડિયા ઉપયોગ અંગે જાગૃત રહેવાની જરૂરિયાત પણ સામે આવી છે.

(9:12 PM IST)