<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

દિયોદરના ફોરણા ગામે ચૂંટણીના મનદુઃખમાં બે જૂથો વચ્ચે અથડામણ :બંને પક્ષના 3થી વધુ લોકોને ઇજા : આઠ શખ્શો વિરુદ્ધ ગુનો નોંધાયો

ચૂંટણી સમયે ગામના જ લોકો અલગ-અલગ પક્ષોમાં રહેતા મનદુઃખ થયું:જૂની અદાવતમાં બંને જૂથો હથિયારો સાથે એકબીજા પર તૂટી પડયા

વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામે ચૂંટણીના મનદુઃખમાં બે જૂથો સામસામે આવી જતાં ગામમાં ભારે અફરાતફરી મચી હતી. જૂની અદાવત અને ચૂંટણી સમયે થયેલા મનદુઃખને પગલે થયેલી આ બબાલમાં બંને પક્ષના 3થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. ઘટનાને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

   મળતી માહિતી મુજબ, ફોરણા ગામે અગાઉની ચૂંટણી સમયે ગામના જ લોકો અલગ-અલગ પક્ષોમાં રહેતા મનદુઃખ થયું હતું. આ જૂની અદાવતની આગ ગઈકાલે ફરી ભભૂકી ઉઠી હતી અને બંને જૂથો હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ હિંસક અથડામણમાં બંને પક્ષના કુલ 3થી વધુ લોકો ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

   સારવાર બાદ બંને પક્ષો દ્વારા દિયોદર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બંને પક્ષના કુલ 8 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિયોદર પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે અને ગામમાં ફરી શાંતિ સ્થપાય તે માટે પેટ્રોલિંગ વધારી દીધું છે.

(11:35 AM IST)