News of Sunday, 26th April 2026
ઈડરમાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ઘર્ષણ : એક વ્યક્તિની અટકાયત
ઈડર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા જયસિંહ તંવર સાથે ભાજપના કાર્યકરો વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો

સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં સ્થાનિક નગરપાલિકા ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 1માં ઉમેદવારો વચ્ચે હંગામાનો બનાવ સામે આવ્યો છે. મતદાન દરમિયાન રાજકીય તણાવ વધતા અપક્ષ ઉમેદવાર જયસિંહ તંવર અને સ્થાનિક ભાજપ કાર્યકર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઘર્ષણ સુધી પહોંચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈડર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા જયસિંહ તંવર સાથે ભાજપના કાર્યકરો વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદ થોડા જ સમયમાં વધીને હંગામામાં ફેરવાયો હતો, જેના કારણે મતદાન સ્થળે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલો આગળ જઈ ઈડર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
જ્યાં બંને પક્ષોના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ભાજપ કાર્યકરને છોડાવવા માટે પણ અનેક કાર્યકરો પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
