<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

નિનાઈ ધોધના વિકાસના દાવા પોકળ, પ્રવાસન માર્ગ બન્યો મોતનો માર્ગ, નિનાઈ ધોધનો રસ્તો જર્જરીત હાલતમાં!

નિનાઈ ધોધ જતો માર્ગ બિસ્માર: સરકારના વિકાસ મોડેલની પોલ ખુલી: વિકાસના દાવાઓ વચ્ચે પ્રવાસીઓ અને સ્થાનિકોને હાલાકી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલો રાજ્યભરમાં પ્રખ્યાત નિનાઈ ધોધ જોવા ચોમાસાની ઋતુમાં હજારો પ્રવાસીઓને આવે છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આ મહત્વપૂર્ણ પર્યટન સ્થળે જતો માર્ગ આજે અત્યંત બિસ્માર હાલતમાં છે. માર્ગ પર આવેલા અનેક ગરનાળાઓ પણ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નાના વાહનો લઈને આવતા પ્રવાસીઓને અનેક સ્થળોએ જોખમ વચ્ચે વાહન પસાર કરવાની ફરજ પડે છે. વરસાદી પાણીના કારણે રસ્તામાં પડેલા ખાડા અને તૂટેલા ગરનાળાઓ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા જરૂરી સમારકામ કરવામાં આવતું ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ સરકાર નર્મદા જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવાની મોટી મોટી જાહેરાતો કરે છે, જ્યારે બીજી તરફ જિલ્લાના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંના એક એવા નિનાઈ ધોધ સુધી પહોંચવાનો રસ્તો જ બિસ્માર હાલતમાં છે. વિકાસના દાવા અને જમીન પરની વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ અહીં સ્પષ્ટ જોવા મળે છે.
સ્થાનિકો અને પ્રવાસીઓએ તાત્કાલિક માર્ગનું સમારકામ, તૂટેલા ગરનાળાઓનું પુનઃનિર્માણ અને સુરક્ષિત વાહનવ્યવહાર માટે જરૂરી કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પ્રવાસનને પણ મોટો ફટકો પડી શકે છે અને કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે

(12:34 AM IST)