<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ચોરવાડની કાજલ વાજાએ એશિયન અંડર-૨૦ એથ્‍લેટિક્‍સ ચેમ્‍પિયનશિપમાં રજતચંદ્રક જીત્‍યો

હોંગકોંગમાં યોજાયેલી સ્‍પર્ધામાં 4x100 મીટર રિલેમાં ભારતને નવો રાષ્‍ટ્રીય રેકોર્ડ બનાવવામાં આપ્‍યું મહત્‍વપૂર્ણ યોગદાન : સ્‍પર્ધામાં શ્રેષ્‍ઠ પ્રદર્શન કરવા માટે કાજલે આ વર્ષે ધોરણ-૧૨ની પરીક્ષા એક વર્ષ ડ્રોપ લઈને તનતોડ મહેનત કરી અને તેની મહેનત રંગ લાવી

અમદાવાદઃ ગુજરાતની ઉભરતી સ્‍પ્રિન્‍ટર કાજલ વાજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય, શિસ્‍ત અને અથાક મહેનતથી સામાન્‍ય પરિવારમાંથી આવતી પ્રતિભાઓ પણ આંતરરાષ્‍ટ્રીય મંચ પર સફળતા હાંસલ કરી શકે છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની ૧૯ વર્ષીય કાજલે રવિવારે હોંગકોંગમાં યોજાયેલી ૨૨મી એશિયન અંડર-૨૦ એથ્‍લેટિક્‍સ ચેમ્‍પિયનશિપમાં મહિલાઓની ૪હૃ૧૦૦ મીટર રિલે સ્‍પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્‍વ કરતાં કાજલે ટીમને ૪૫.૦૫ સેકન્‍ડનો સમય નોંધાવવામાં મદદ કરી હતી. આ પ્રદર્શન સાથે ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્‍યો હતો અને અંડર-૨૦ વર્ગમાં નવો રાષ્‍ટ્રીય રેકોર્ડ પણ સ્‍થાપ્‍યો હતો. ભારતીય ટીમે અગાઉનો ૪૫.૦૮ સેકન્‍ડનો રાષ્‍ટ્રીય રેકોર્ડ તોડીને પોતાની ઝડપ, ટીમવર્ક અને બેટન એક્‍સચેન્‍જની શ્રેષ્ઠતા દર્શાવી હતી.

કાજલની સિદ્ધિ તેની સામાન્‍ય આર્થિક પળષ્ઠભૂમિને ધ્‍યાનમાં લેતાં વધુ પ્રેરણાદાયી બની જાય છે. તેના પિતા હીરાભાઈ વાજા જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના ચોરવાડ ગામનાં સામાન્‍ય ખેડૂત છે અને ખેત મજૂરી કરે છે. આર્થિક પડકારો વચ્‍ચે પણ કાજલે પોતાની રમતગમત કારકિર્દી પર અડગ ધ્‍યાન કેન્‍દ્રિત રાખ્‍યું અને પોતાના સપનાઓ સાકાર કરવા માટે અનેક ત્‍યાગ કર્યા.

ટ્રેક પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે કાજલે ધોરણ-૧૨માં એક વર્ષ ડ્રોપ લઈને તાલીમ અને સ્‍પર્ધાની તૈયારી પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું હતું. તેની આ નિષ્ઠા અને મહેનતનું ફળ તેને હવે આંતરરાષ્‍ટ્રીય મંચ પર મળ્‍યું છે.

કાજલનાં પરિવાર સાથે સંબધ ધરાવતા મંથન ડાભીએ જણાવે છે કે, ‘‘કાજલને શાળામાં ભણતી ત્‍યારથી રમતગમત પ્રત્‍યે વિશેષ લગાવ હતો અને તે સતત વિવિધ સ્‍પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતી આવી છે.'' કાજલ વાજાનાં કોચ શિવમ ઉપાધ્‍યાય કાજલની સફળતાનું શ્રેય તેની અવિરત મહેનત અને શ્રેષ્ઠતા હાંસલ કરવાની તીવ્ર ઇચ્‍છાને આપે છે.

કાજલની રમતગમતની સફર ગુજરાત રાજ્‍યના સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના સ્‍કૂલ પ્રોગ્રામથી શરૂ થઈ હતી. ત્‍યારબાદ ૨૦૧૯માં તે કોડીનાર સ્‍થિત જિલ્લા કક્ષાની સ્‍પોર્ટ્‍સ સ્‍કૂલ (DLSS)માં જોડાઈ, જ્‍યાં તેની પ્રતિભાને વ્‍યવસ્‍થિત રીતે ઘડવામાં આવી. તેની ક્ષમતાને ઓળખીને ૨૦૨૩માં તેની પસંદગી નડિયાદ સ્‍થિત હાઈ-પરફોર્મન્‍સ સેન્‍ટર (HPC) માટે કરવામાં આવી હતી, જ્‍યાં તે હાલમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન મેળવી રહી છે.

નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ અને ભારતીય રિલે ટીમને તેમની ઉત્‍કળષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. આ જ ચેમ્‍પિયનશિપમાં ગુજરાતના અન્‍ય એક ખેલાડી અને વાપીનાં વતની રાહુલ જાખરે ડેકાથ્‍લોનમાં નવો રાષ્‍ટ્રીય રેકોર્ડ સ્‍થાપીને સુવર્ણ ચંદ્રક જીત્‍યો છે.

 

(1:24 PM IST)