<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

સુરતની મેરિયટ હોટેલના રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસાયેલી કૂકીઝમાંથી અણીદાર લાકડાના ટુકડા નીકળ્યાની ફરિયાદ

કૂકીઝ મોંમાં મૂકતાં ગ્રાહકને ઈજા થઈ હોવાનો આક્ષેપ:હોટેલ મેનેજમેન્ટે ભૂલ સ્વીકારી હોવાનો દાવો કરાયો: ગ્રાહકે SMCના ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ કરી

સુરતની જાણીતી મેરિયટ હોટેલ સામે ખાણીપીણીમાં બેદરકારીના આક્ષેપો થયા છે. 29 ઓગસ્ટની મોડી રાત્રે હોટેલના રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલી કૂકીઝમાંથી લાકડાના અણીદાર ટુકડા મળી આવ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. ઘટનાને પગલે ગ્રાહક દ્વારા સમગ્ર મામલે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

 

ફરિયાદ મુજબ, ગ્રાહકે કૂકીઝ મોંમાં મૂકતાં જ તેમાં રહેલો તીક્ષ્ણ લાકડાનો ટુકડો મોંમાં વાગ્યો હતો. અણીદાર ટુકડો વાગતાં ગ્રાહકને ઈજા થઈ હતી અને ગંભીર ઈજા થતાં બચી ગઈ હોવાનું જણાવાયું છે. ખાદ્ય પદાર્થમાં આ પ્રકારની વસ્તુ મળી આવતાં હોટેલની ફૂડ સેફ્ટી અને ગુણવત્તા અંગે સવાલો ઉભા થયા છે.

 

 

આ સમગ્ર ઘટનાને લઈને હોટેલ મેનેજમેન્ટે પોતાની ભૂલ સ્વીકારી હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, સમગ્ર મામલે કેમેરા સામે કે લેખિતમાં નિવેદન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જેના કારણે ફરિયાદકર્તાએ હોટેલની કામગીરી સામે વધુ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.

 

 

ઘટના બાદ ગ્રાહકે સુરત મહાનગરપાલિકા એટલે કે SMCના ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં સમગ્ર ઘટનાની તપાસ કરવા અને ગ્રાહકોને પીરસાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તથા સલામતી અંગે જરૂરી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. હવે SMCના ફૂડ વિભાગની તપાસમાં સમગ્ર મામલે શું હકીકત સામે આવે છે તેના પર નજર રહેશે.

 

ફરિયાદકર્તા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાના આક્ષેપો સાથે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જો તપાસમાં ખાદ્ય પદાર્થમાં લાકડાના અણીદાર ટુકડા હોવાની ફરિયાદ સાચી ઠરે તો જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.

 

હાલ સમગ્ર મામલો ફરિયાદ અને આક્ષેપોના આધારે સામે આવ્યો છે. કૂકીઝમાં લાકડાના ટુકડા કેવી રીતે આવ્યા અને ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થયું કે નહીં તે તપાસ બાદ સ્પષ્ટ થશે.

(10:31 PM IST)