તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
રસીકરણમાં બાળકોને પેરાસિટામોલને બદલે ભૂલથી ડાયાબિટીસની દવા આપી : 5 બાળકો ICUમાં દાખલ
દવાની આડઅસર થતાં બાળકોને ICUમાં દાખલ કરાયા: મહિલા હેલ્થ વર્કર સસ્પેન્ડ કરાયા: આરોગ્ય મંત્રીએ કડક કાર્યવાહીની ખાતરી આપી.

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ગત 24મી સપ્ટેમ્બરના રોજ યોજાયેલા મમતા દિવસ રસીકરણ કાર્યક્રમ દરમિયાન પાંચ બાળકોને પેરાસિટામોલ ગોળીના બદલે ભૂલથી ડાયાબિટીસની અત્યંત ભારે ગણાતી દવા આપી દેવામાં આવી હતી. દવાની ગંભીર આડઅસર (રિએક્શન) થતાં તમામ પાંચ બાળકોને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલોના આઈસીયુ (ICU) વોર્ડમાં દાખલ કરવા પડ્યા હતા.
મળતા માહિતી અનુસાર, કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અંતર્ગત આવતા સબ સેન્ટર પલસાણા 1 ખાતે રસીકરણ સેશન યોજાયું હતું. જ્યાં કુલ 7 બાળકોને રસી આપવામાં આવી હતી. સામાન્ય રીતે રસીકરણ બાદ તાવ કે દર્દ ન થાય તે માટે બાળકોને પેરાસિટામોલ આપવામાં આવતી હોય છે, પરંતુ અહીં ફરજ પરના કર્મચારીએ મોટી ભૂલ કરીને પેરાસિટામોલના બદલે ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવતી 'ગ્લાઇમિપિરાઇડ-2 એમ.જી.' દવા આપી દીધી હતી
આ ભારે ખોટી દવા પેટમાં જતાં જ બાળકોની તબિયત લથડવા લાગી હતી. સ્થિતિ બગડતાં જ વાલીઓએ પોતાના બાળકોને હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા આરોગ્ય તંત્ર અને વરિષ્ઠ અધિકારીઓએ તાબડતોબ હોસ્પિટલ પહોંચી સારવારની સમીક્ષા કરી હતી. હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું અને તબીબોની સતત દેખરેખ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના સામે આવતાં જ તંત્ર દોડતું થયું હતું. પ્રાથમિક તપાસ બાદ ગંભીર બેદરકારી દાખવનાર મહિલા હેલ્થ વર્કરને ત્વરિત અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, 'બાળકોના આરોગ્ય અને જીવન સાથે આવી કોઈ પણ પ્રકારની ગુનાહિત બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવાશે.'
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
