તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
ચિખલીના તલાટી કમ મંત્રી કમલેશભાઈ દેસાઈ અને વચેટિયા ગોકુળભાઈ પટેલ જમીનની એનઓસી આપવાના બહાને ૪૦ હજારની લાંચ લેતા એસીબીના સિકંજામાં
પીઆઈ જે.આર.ગામીતની ટીમે શોપિંગ સેન્ટરમાં ગોઠવ્યું સફળ છટકું : મદદનીશ નિયામક આર.આર.ચૌધરી અને ઇન્ચાર્જ નાયબ નિયામક બી.એમ.પટેલના માર્ગદર્શનમાં મોટી કાર્યવાહી

નવસારી: નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચારી તત્વો સામે લાલ આંખ કરીને એક મોટી અને સફળ ટ્રેપ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પોતાની જમીનમાંથી માટી કઢાવવા માટે ગ્રામ પંચાયતની એનઓસી, નકશો તેમજ પેઢીનામું કરી આપવાના અવેજ પેટે ૪૦ હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા તલાવ ચોરા ગ્રામ પંચાયતના વર્ગ-૩ ના તલાટી કમ મંત્રી અને તલાટી વતી લાંચના નાણાં લેતા એક સામાન્ય પ્રજાજન (વચેટિયા) ને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એનઓસી અને પેઢીનામું કરી આપવા માટે માંગી હતી લાંચ:
આ ગુનાની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકે પોતાની જમીનમાંથી માટી કઢાવીને અન્ય જગ્યાએ લઈ જવા માટે તલાવ ચોરા ગ્રામ પંચાયત કચેરીમાં એન.ઓ.સી. (NOC) મેળવવા માટે અરજી કરી હતી. આ અરજી અન્વયે એન.ઓ.સી. આપવા, નકશો કાઢી આપવા તેમજ પેઢીનામું કરી આપવાના અવેજ પેટે તલાવ ચોરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી (વર્ગ-૩) કમલેશભાઈ ધરમશીભાઇ દેસાઈ (ઉંમર વર્ષ ૪૧) એ ફરિયાદી પાસે રૂપિયા ૪૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા બિલકુલ માંગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક સાધી સમગ્ર મામલાની વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.
ચિખલીના શોપિંગ સેન્ટરમાં ગોઠવાયું લાંચનું છટકું:
ફરિયાદીની આ ફરિયાદના આધારે એસીબીની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને ૧૮ જૂન, ૨૦૨૬ ના રોજ ચિખલી ખાતે આવેલા ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરની દુકાન નંબર ૧૨ માં આવેલી શિવ ક્વોરી વર્ક્સ અને અનિરૂધ્ધ કન્સ્ટ્રક્શનની ઓફિસમાં લાંચના છટકાનું સચોટ આયોજન કર્યું હતું.
તલાટીના કહેવાથી નાણાં સ્વીકારતો વચેટિયો અને મુખ્ય આરોપી પકડાયા:
આ આયોજિત લાંચના છટકા દરમિયાન, તલાટી કમ મંત્રી કમલેશભાઈ દેસાઈના કહેવાથી વચેટિયા તરીકે ભૂમિકા ભજવતા ગોકુળભાઈ બુધાભાઇ પટેલ (ઉંમર વર્ષ ૫૭, પ્રજાજન) એ શિવ ક્વોરી વર્ક્સની ઓફિસમાં ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા ૪૦,૦૦૦/- સ્વીકારી હતી. ગોકુળભાઈ પટેલે લાંચના નાણાં હાથમાં લેતા જ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ દબોચી લીધા હતા. આ સાથે જ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી તલાટી કમ મંત્રી કમલેશભાઈ દેસાઈને પણ સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રૂપિયા ૪૦,૦૦૦/- રિકવર કરી બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
વરિષ્ઠ એસીબી અધિકારીઓનું સંકલન:
આ સફળ ટ્રેપની કામગીરી વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર.ગામીત તથા તેમની ટીમ દ્વારા અત્યંત ગુપ્તતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનમાં એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીએ સુપરવિઝન અધિકારી તરીકે દેખરેખ રાખી હતી, જ્યારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરાના ઇન્ચાર્જ નાયબ નિયામક બી.એમ.પટેલના સક્ષમ વડપણ હેઠળ આ ભ્રષ્ટાચાર વિરોધી રેડને સફળતાપૂર્વક અંજામ આપવામાં આવ્યો છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
