News of Monday, 16th November 2026
રાજ્યમાં મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ:દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનું માતાજીના માંડવાના ધાર્મિક પ્રસંગમાં મોટું નિવેદન
પબુભા માણેકના નિવેદનને લઈને રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ:ધાર્મિક પ્રસંગ દરમિયાન આપેલા આ રાજકીય નિવેદનથી રાજકીય સમીકરણો પર શું અસર પડશે તે અંગે પણ તર્ક-વિતર્ક

રાજકોટના જસદણમાં મંત્રી કુંવરજી બાવળિયાની આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીને લઈને અનેક ચર્ચાઓ ચકડોળે ચડી છે. તાજેતરમાં વિંછિયાના અમરાપુર ખાતે કોળી સમાજનું એક સ્નેહમિલન સંમેલન યોજાયું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ જસદણ વિધાનસભા બેઠકને લઈને એવું નિવેદન આપ્યું હતું કે કુંવરજીભાઈ બાવળિયા ફરીથી મંત્રી બનશે.જોકે,તેમના આ નિવેદન સામે કોળી સમાજના જ આગેવાન પ્રવીણભાઈ કોળીએ જાહેરમાં સવાલો ઉઠાવ્યા હતા.તેમણે કહ્યું હતું કે, ચૂંટણીમાં કોણ લડશે અને આગળ જતાં મંત્રી કોણ બનશે તે તમામ બાબતો માત્ર કોળી સમાજ જ નક્કી કરશે.હવે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનું કોળી સમાજને લઈ એક નિવેદન સામે આવ્યું છે.
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા માતાજીના માંડવાના ધાર્મિક પ્રસંગમાં આપેલું મોટું નિવેદન હાલ રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે.રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આપેલા આ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ.પભુબા માણેકનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તેઓ ધારાસભ્ય હીરા સોલંકીને કહી રહ્યાં છે કે, ગુજરાતમાં તમારો સમાજ સૌથી મોટો છે અને બીજા નંબરનો છે. જેથી મુખ્યમંત્રી પણ તમારા થવા જોઈએ. ભૂતકાળમાં આપણા વડીલોએ જે કર્યું એ પણ હાલમાં જાગૃતિનો અભાવ છે. સમાજના યુવાનોએ એક થવાની જરૂર છે.
પબુભા માણેકના આ નિવેદનને લઈને રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.ધાર્મિક પ્રસંગ દરમિયાન આપેલા આ રાજકીય નિવેદનથી આગામી સમયમાં રાજકીય સમીકરણો પર શું અસર પડશે તે અંગે પણ તર્ક-વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. કોળી સમાજના નેતાઓને લઈને થઈ રહેલા નિવેદનોથી રાજકીય ચર્ચાઓ તેજ બની છે. બીજી તરફ વિંછિયામાં કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે, કુંવરજી બાવળિયાએ હવે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ.કુંવરજી બાવળિયા માત્ર સમાજના નામે ચૂંટણી લડે છે પરંતુ પોતાના આપેલા વાયદા ક્યારેય પૂરા કરતા નથી.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
