News of Monday, 19th October 2026
નર્મદાના કરજણ બ્રિજ નિર્માણમાં નબળી ગુણવત્તા સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની લાલ આંખઃ સુરતના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાયો
૨૦૨૦માં બનેલા બ્રિજનો પાયો બેસી જવાની ગંભીર ક્ષતિ બાદ ક્વોલિટી કંટ્રોલ તપાસમાં મોટા છબરડા ઉજાગરઃ બેદરકાર અધિકારીઓ સામે પણ ખાતાકીય કાર્યવાહીના આદેશઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપનાવવામાં આવેલી ‘જે કહેવું તે કરવું' ની કાર્યશૈલીને સાર્થક કરતા મુખ્યમંત્રી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ નર્મદા જિલ્લાના રાજપીપળા-રામગઢ (નવાગામ) માર્ગ પર કરજણ નદી પર આવેલા મેજર બ્રિજના બાંધકામમાં ગંભીર ગુણવત્તાકીય ક્ષતિઓ સામે આવતા રાજ્ય સરકાર દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર બાંધકામોની ગુણવત્તા અને નાગરિકોની સલામતી સાથે કોઈ જ બાંધછોડ નહીં ચલાવવાની સ્પષ્ટ નીતિ અપનાવીને બ્રિજનું નિર્માણ કરનાર ઇજારદાર સામે ફોજદારી કાર્યવાહી (FIR) કરવાના આદેશો આપ્યા છે, જેના પગલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ બ્રિજનું કામ ૧૦.૭૧ કરોડ રૂપિયાની ટેન્ડર રકમથી સુરતની 'મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જાિનિયરિગ પ્રા. લિ.' નામની એજન્સીને સોંપવામાં આવ્યું હતું. આ કામનો પ્રારંભ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ થયો હતો અને ભૌતિક રીતે આ બ્રિજ ૧૪ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણી દરમિયાન આ બ્રિજનો એક પાયો (ફાઉન્ડેશન) સેટલ થઈ ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ગંભીર ક્ષતિ જણાતા ક્વોલિટી કંટ્રોલ પ્રભાગ દ્વારા સમગ્ર બ્રિજનું વ્યાપક પરીક્ષણ અને નિરીક્ષણ હાથ ધરાયું હતું, જેમાં બ્રિજના અન્ય ભાગોમાં પણ મોટી ક્ષતિઓ હોવાનું બહાર આવ્યું હતું. આ બ્રિજ વાહનવ્યવહાર માટે જોખમી અને અસુરક્ષિત જણાતા ત્વરિત ધોરણે તેના પર વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈને બ્રિજનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિગ પ્રા. લિ. તથા તેના સંબંધિત પ્રતિનિધિઓ સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા. આ ઉપરાંત, આ નબળી કામગીરી અને લાપરવાહી માટે જવાબદાર સંબંધિત સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓ સામે પણ ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ અન્વયે કડક ખાતાકીય કાર્યવાહી કરવાના આદેશો જારી કરાયા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપનાવવામાં આવેલી ‘જે કહેવું તે કરવું' ની કાર્યશૈલીને સાર્થક કરતા મુખ્યમંત્રીએ આ કડક પગલાં દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યમાં માળખાકીય વિકાસના કાર્યોમાં અનિયમિતતા કે બેદરકારી દાખવનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
