તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આદિમજૂથોના સર્વાંગી ઉત્કર્ષ માટે મોટો વહીવટી સુધારો : ચાર બિન-આદિજાતિ જિલ્લાઓમાં વર્ગ-૧ના અધિકારીઓને ‘સભ્ય સચિવ’ની સીધી જવાબદારી સોંપાઈ
અમદાવાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને જૂનાગઢના પઢાર તથા સીદી સમુદાયને મળશે સીધો લાભ : ‘મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગીણ ઉત્કર્ષ યોજના’ હેઠળ મંજૂરી અને મોનિટરિંગ પ્રક્રિયા બનશે વધુ ઝડપી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યના અતિ પછાત અને છેવાડાના આદિમજૂથોના સામાજિક અને આર્થિક ઉત્થાનને વધુ વેગ આપવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ વહીવટી સુધારો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણય મુજબ, ‘મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના’ હેઠળ વિકાસ કાર્યોનું આયોજન, મંજૂરી, મોનિટરિંગ અને અમલીકરણ વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે ચાર બિન-આદિજાતિ જિલ્લાઓ અમદાવાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ ખાતેની જિલ્લા કક્ષાની સમિતિઓમાં આદિજાતિ વિભાગના જ વર્ગ-૧ના અધિકારીઓને ‘સભ્ય સચિવ’ તરીકેની સીધી જવાબદારી સોંપવામાં આવી છે.
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાના નેતૃત્વમાં લેવાયેલો આ મહત્વનો નિર્ણય ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭થી જ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. આ સુધારાથી બિન-આદિજાતિ અને છૂટાછવાયા વિસ્તારોમાં વસતા પઢાર અને સીદી સમુદાયના પરિવારો સુધી સરકારી યોજનાઓના લાભો વધુ અસરકારક રીતે પહોંચાડી શકાશે.
જિલ્લાવાર નવી વહીવટી જોગવાઈ અને જવાબદારીઓ:
પરંપરાગત આદિજાતિ વિસ્તારોની બહાર વસતા આદિમજૂથો માટે અગાઉ પ્રાયોજના વહીવટદારની સમર્પિત કચેરીઓ ન હોવાથી જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) ને વધારાનો કાર્યભાર સોંપવામાં આવતો હતો. હવે નવી વ્યવસ્થા હેઠળ:
* અમદાવાદ અને સુરેન્દ્રનગર: મદદનીશ કમિશનર (વર્ગ-૧), આદિજાતિ વિકાસ, અમદાવાદને સભ્ય સચિવની જવાબદારી સોંપાઈ છે.
* ગીર સોમનાથ અને જૂનાગઢ: મદદનીશ કમિશનર (વર્ગ-૧), આદિજાતિ વિકાસ, રાજકોટને સભ્ય સચિવ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
જૂનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો અલગ થયા બાદ બંને જિલ્લાઓમાં સીદી સમુદાયની મોટી વસતી અલગ-અલગ વિસ્તારોમાં વસતી હોવાથી ભૌગોલિક સ્થિતિને અનુરૂપ જૂનાગઢ માટે નવી જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવાનું પણ ઠરાવવામાં આવ્યું છે.
સ્થાનિક કચેરીઓ દ્વારા 'લાસ્ટ માઈલ ડિલિવરી'ને વેગ મળશે:
આ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી મેળવેલા કામોની વહીવટી મંજૂરી, મોનિટરિંગ અને રિપોર્ટિંગની જવાબદારી વર્ગ-૧ના મદદનીશ કમિશનર કક્ષાએ રહેશે. બીજી તરફ, સ્થાનિક કક્ષાએ આયોજન મેળવવું, ટેકનિકલ મંજૂરી, સ્થળ તપાસ તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેટ (Completion Certificate) અને યુટિલાઇઝેશન સર્ટિફિકેટ (Utilization Certificate) મેળવવાની કામગીરી બગોદરા અને તાલાલા ખાતે આવેલી વર્ગ-૨ કક્ષાની કચેરીઓ દ્વારા કરવામાં આવશે. બગોદરા કચેરી પઢાર સમુદાય અને તાલાલા કચેરી સીદી સમુદાયના વિસ્તારોમાં જમીની સ્તરની કામગીરી સંભાળશે.
ચાર બિન-આદિજાતિ જિલ્લાઓમાં જ ફેરફારનું કારણ:
ગુજરાતના પરંપરાગત આદિવાસી જિલ્લાઓમાં પ્રાયોજના વહીવટદારની કચેરીઓ પહેલેથી કાર્યરત છે અને ત્યાં વર્ગ-૧ તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કામગીરીનું સંકલન થાય છે. પરંતુ અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં પઢાર અને સીદી સમુદાય માટે આવી સમર્પિત વ્યવસ્થા નહોતી. આ વહીવટી ફેરફારથી હવે શિક્ષણ, આવાસ, આરોગ્ય, રોજગાર અને આર્થિક સશક્તિકરણની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના પરિવારો સુધી સમયસર અને સુચારુ રૂપે પહોંચાડી શકાશે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
