News of Sunday, 6th September 2026
આદિમજૂથોના સર્વાંગી ઉત્કર્ષ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો વહીવટી સુધારો
ગીર સોમનાથ, જૂનાગઢ, અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આદિજાતિ વર્ગ-૧ના અધિકારીઓને સોંપાઈ ‘સભ્ય સચિવ’ની સીધી જવાબદારી: પઢાર અને સીદી સમુદાયને મળશે સીધો લાભ

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના અતિ પછાત અને છેવાડાના આદિમજૂથોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે એક મહત્વનો વહીવટી સુધારો કર્યો છે. ‘મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના’ હેઠળ વિકાસ કાર્યોનું આયોજન, મંજૂરી, મોનિટરિંગ અને અમલીકરણ વધુ ઝડપી તેમજ પારદર્શક બને તે માટે ચાર બિન-આદિજાતિ જિલ્લાઓ—અમદાવાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ માટે જિલ્લા કક્ષાની સમિતિઓના ‘સભ્ય સચિવ’ તરીકે આદિજાતિ વિભાગના જ વર્ગ-૧ના અધિકારીઓને સીધી જવાબદારી સોંપવામાં આવી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭થી જ અમલી બનેલા આ નિર્ણયથી ખાસ કરીને પરંપરાગત આદિજાતિ વિસ્તારો બહાર વસતા પઢાર અને સીદી સમુદાય સુધી સરકારી યોજનાઓ વધુ અસરકારક રીતે પહોંચશે.
નવી વહીવટી વ્યવસ્થા અને અધિકારીઓની વહેંચણી
અગાઉ આ બિન-આદિજાતિ વિસ્તારોમાં સમર્પિત કચેરીઓ ન હોવાથી જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) પાસે આ વધારાનો કાર્યભાર હતો. હવે નવી વ્યવસ્થા મુજબ:
અમદાવાદ અને સુરેન્દ્રનગર: મદદનીશ કમિશનર (વર્ગ-૧), આદિજાતિ વિકાસ, અમદાવાદને સભ્ય સચિવની જવાબદારી સોંપાઈ છે.
ગીર સોમનાથ અને જૂનાગઢ: મદદનીશ કમિશનર (વર્ગ-૧), આદિજાતિ વિકાસ, રાજકોટને સભ્ય સચિવ જાહેર કરાયા છે.
જૂનાગઢ માટે નવી સમિતિ: જૂનાગઢ જિલ્લાના વિભાજન બાદ ત્યાં રહેતા સીદી સમુદાયની વસ્તીને ધ્યાનમાં રાખીને અલગથી નવી જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવાનો નિર્ણય લેવાયો છે.
નીતિગત નિર્ણયો અને જમીની અમલીકરણ વચ્ચે સ્પષ્ટ સમન્વય
આ સુધારા અંતર્ગત વહીવટી મંજૂરી, યોજનાનું આયોજન અને મોનિટરિંગ વર્ગ-૧ના મદદનીશ કમિશનર સંભાળશે. જ્યારે સ્થાનિક કક્ષાએ આયોજન મેળવવું, ટેકનિકલ મંજૂરી અને સ્થળ ચકાસણી (Completion Certificate & Utilization Certificate) જેવી ગ્રાઉન્ડ લેવલની કામગીરી માટે બગોદરા અને તાલાલા ખાતેની વર્ગ-૨ કક્ષાની આદિજાતિ વિકાસ અધિકારીની કચેરીઓ સક્રિય ભૂમિકા ભજવશે.
નિર્ણય પાછળનું મુખ્ય કારણ
ગુજરાતના પરંપરાગત આદિવાસી વિસ્તારોમાં ‘પ્રાયોજના વહીવટદાર’ની કચેરીઓ પહેલેથી કાર્યરત છે. પરંતુ અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા બિન-આદિજાતિ જિલ્લાઓમાં પઢાર અને સીદી સમુદાય માટે આવી વિશેષ વ્યવસ્થા નહોતી. આ નવી પદ્ધતિથી છેવાડાના વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, આવાસ અને રોજગારી જેવા કલ્યાણકારી લાભો ઝડપથી પહોંચાડી શકાશે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
