તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો નવતર જનસંપર્ક અભિગમ: 18થી 20 નવેમ્બર ત્રણ દિવસ સુધી આદિજાતિ વિસ્તાર ગરબાડાના અંતરિયાળ ગામડાઓની મૂલાકાતે
આદિજાતિ ગ્રામજનો સાથે પ્રત્યક્ષસંવાદ – આદિવાસી પરિવારોના ઘરે ભોજન અને રાત્રિ રોકાણ કરશે: ગરબાડામાં ધરતી આબા ભગવાન બિરસા મૂંડાની પ્રતિમાને પુષ્પાંજલિથી ત્રિદિવસીય પ્રવાસનો પ્રારંભ કરશે: મુખ્યમંત્રીના રાત્રિ રોકાણના સ્થળોએ પરંપરાગત આદિવાસી ભજન મંડળીઓના ભજન કિર્તન યોજાશે. આદિવાસીઓના યાત્રાધામ બાબા ધોડાજા દેવમંદિરના મુખ્યમંત્રી દર્શન કરશે.

ગાંધીનગર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ગરબાડા તાલુકાના વિવિધ ગામોની ત્રણ દિવસની મૂલાકાતે તા.18 નવેમ્બર બુધવારથી 20 નવેમ્બર શુક્રવાર દરમિયાન જશે.
મૃદુ, મિતભાષી અને મક્કમ મુખ્યમંત્રી તરીકે જનમાનસમાં આગવી લોકચાહના મેળવેલા સહજ, સરળ અને સાલસ વ્યક્તિત્વ ધરાવતા ભૂપેન્દ્રભાઈએ લોકોની રજૂઆતો, નાગરિક-ફરિયાદો, લોક-સમસ્યાઓનું ત્વરાએ નિવારણ લાવવા માટે પણ હવે ‘આપણા ભૂપેન્દ્રભાઈ’ની ઓળખ ઊભી કરી છે.
મુખ્યમંત્રીએ પોતાની આવી જ સહજ, સરળતાનો વધુ એક પરિચય આપતાં છેક ગ્રામીણ સ્તરના પાયાના કાર્યકર્તાઓ અને આદિજાતિ ગ્રામજનો સાથે બેસીને સંવાદ અને લોકસંપર્કનો નવતર અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીએ આદિજાતિ ગામોના સામાન્ય માનવીઓના જનજીવન અને ગ્રામ્ય જીવનની રહેણી-કરણી આત્મીય ભાવે નજીકથી સમજવા-નિહાળવા સાથે ગ્રામીણ વિસ્તારોની સમસ્યાઓ – રજૂઆતો કાને ધરવાના સંવેદનશીલ અને લોકાભિમુખ અભિગમ સાથે આ ત્રિદિવસીય મૂલાકાતનું આયોજન કર્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના આ સમગ્ર પ્રવાસ દરમિયાન ત્રણેય દિવસે અદના આદિવાસી પરિવારોના ઘરે તેમની સાથે બેસીને પરંપરાગત આદિવાસી ભોજન લેશે અને રાત્રી રોકાણ કરશે તથા સ્થાનિક આદિવાસી ભજન મંડળીઓના ભજન કિર્તનનું શ્રવણ કરશે.
મુખ્યમંત્રી આદિજાતિ વિસ્તારના 72 કલાકના પ્રવાસ-મૂલાકાત દરમિયાન ધાનપૂર તાલુકામાં જિલ્લા વહિવટી તંત્રના સંબંધિત વિભાગો સાથે વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને આદિજાતિઓના શ્રદ્ધા-આસ્થા કેન્દ્ર સમા બાબા ધોડાજા દેવ મંદિરમાં દર્શન-પૂજન કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના ત્રિદિવસીય પ્રવાસના અંતિમ ચરણમાં સ્માર્ટ સિટી દાહોદની સરકારી લાયબ્રેરી-વાંચનાલયની મૂલાકાત લઈને બાળકો-યુવાઓ સાથે સંવાદ ગોષ્ઠિ કરશે અને 20 નવેમ્બર, શુક્રવારે બપોર બાદ ગાંધીનગર પરત આવશે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
