News of Friday, 10th July 2026
રાજ્યની નવી રચાયેલી ૯ મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ઐતિહાસિક નિર્ણય : નાગરિક સુખાકારીના વિવિધ પ્રોજેક્ટો વેગવંતા બનશે
નવરચિત મહાનગરપાલિકાઓની હદમાં ઉમેરાયેલા વિસ્તારો અને ટ્રાન્ઝીશન ફેઈઝને ધ્યાનમાં રાખીને આગામી પાંચ વર્ષ સુધી જાહેર હિતના ૧૧ મહત્વના પ્રોજેક્ટ માટે સરકારી જમીન વિનામૂલ્યે ફાળવાશે : મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને પોરબંદરને મળશે મોટો લાભ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓની આર્થિક અને માળખાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવીને સ્થાનિક નાગરિકોને ઝડપી તથા ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની નગરપાલિકાઓને આવા વિશેષ લાભ આપવાના અગાઉ કરેલા નિર્ણયનો વ્યાપ વધારીને હવે તેમાં આ નવી રચાયેલી ૯ મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ કરી દીધો છે.
આ નૂતન નિર્ણય અનુસાર, રાજ્યની વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર એમ નવી અસ્તિત્વમાં આવેલી કુલ ૯ મહાનગરપાલિકાઓને આગામી પાંચ વર્ષ સુધી જાહેર હિતની વિવિધ ૧૧ જેટલી આવશ્યક નાગરિક સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે જરૂરી એવી સરકારી જમીનો સંપૂર્ણપણે વિનામૂલ્યે ફાળવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ તમામ મહાનગરપાલિકાઓ અગાઉ રાજ્યની “અ” વર્ગની નગરપાલિકાઓ હતી, જેમાંથી તાજેતરમાં જ નવી મહાનગરપાલિકા તરીકે તેમનું રૂપાંતરણ થયેલું છે. આ નવરચિત મહાનગરપાલિકાઓનો હાલ ટ્રાન્ઝિશન ફેઈઝ (બદલાવનો ગાળો) ચાલી રહ્યો છે અને વહીવટી પ્રક્રિયાઓ આખરી ઓપ લઈ રહી છે. એટલું જ નહીં, મહાનગરપાલિકા બનવાના કારણે આ શહેરોની ભૌગોલિક હદમાં પણ આજુબાજુનો મોટો ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ઉમેરાયો છે. આ વ્યાપક ભૌગોલિક પરિવર્તનના સંદર્ભમાં નવી મહાનગરપાલિકાઓમાં સર્વાંગી વિકાસના કામો કોઈપણ પ્રકારના અવરોધ વિના અત્યંત ઝડપથી થઈ શકે તેવા ઉમદા હેતુસર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જિલ્લા કક્ષાએ જ સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયાને વધુ સરળ અને સુગમ બનાવવાનો પ્રજાલક્ષી અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નવી મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં રહેતા નાગરિકોની સુખાકારી અને આધુનિક સુવિધાઓ માટે જે ૧૧ મહત્વના જાહેર પ્રોજેક્ટ્સ માટે વિનામૂલ્યે સરકારી જમીન ઉપલબ્ધ કરાવવાનો કલ્યાણકારી નિર્ણય કર્યો છે, તેની યાદી નીચે મુજબ છે:
નગર સેવા સદન (મહાનગરપાલિકાનું નવું કચેરી મકાન)
આધુનિક ફાયર સ્ટેશન
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)
વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP)
ભૂગર્ભ ગટર ડ્રેનેજ લાઈનો
પંપિંગ સ્ટેશનની કામગીરી
વૉટર સપ્લાય પ્રોજેક્ટ (પીવાના પાણી પુરવઠાના વિવિધ કામો)
સૉલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ (કચરાના નિકાલ માટે)
સ્ટોર્મ વૉટર ડ્રેનેજની કામગીરી (ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે)
બાલવાડી (આંગણવાડીઓ)
ટાઉન હૉલ, કોમ્યુનિટી હૉલ અને અદ્યતન કન્વેન્શન સેન્ટર
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આ દૂરંદેશી અને મહત્વના નિર્ણયને પરિણામે નવી નવરચિત મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં ફાયર સ્ટેશન, એસ.ટી.પી., સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ અને નાગરિકોના મનોરંજન માટે જાહેર બાગ-બગીચા જેવી પ્રાથમિક અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝનું ત્વરિત ગતિએ નિર્માણ શક્ય બનશે. સરકારના આ જમીન ફાળવણીના સરળીકરણના પગલાથી કરોડો રૂપિયાના લોકઉપયોગી શહેરી વિકાસના કામોને એક નવી સ્પીડ મળશે અને શહેરોનો વિકાસ આયોજનબદ્ધ રીતે થશે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
