<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ગુજરાતમાં જાહેર વિતરણ પ્રણાલીને સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મોટું પગલું : વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૫નો વધારો મંજૂર

રેશનિંગ દુકાનદારોનું કમિશન રૂ. ૧૫૦ થી વધારીને રૂ. ૧૮૫ કરાયું : રાજ્ય સરકાર બજેટમાં રૂ. ૬૭.૨૦ કરોડની જોગવાઈ સાથે ૧૭,૦૦૦ થી વધુ સંચાલકોને આપશે સીધો આર્થિક લાભ

ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી (PDS) ની વ્યવસ્થાને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ કલ્યાણકારી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો-૨૦૧૩ (NFSA) હેઠળના તમામ અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ (PHH) કુટુંબોને વિતરણ કરાતા ઘઉં તેમજ ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોને ચૂકવવામાં આવતા કમિશનના દરમાં નોંધપાત્ર વૃદ્ધિ કરવામાં આવી છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ અનુસાર, દુકાન સંચાલકોને અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧૫૦ કમિશન ચૂકવાતું હતું, જેમાં રૂ. ૩૫ નો સીધો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ સુધારા સાથે હવે સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧૮૫ કમિશન ચૂકવવામાં આવશે.

 

રાજ્યના ૧૭,૦૦૦ થી વધુ સંચાલકોને મળશે સીધો આર્થિક ફાયદો:

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ તેમજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના મંત્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાના સીધા માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ મંજૂરીના નિર્ણયથી સમગ્ર ગુજરાત રાજ્યમાં કાર્યરત ૧૭,૦૦૦ થી વધુ રેશનિંગની વાજબી ભાવની દુકાનોના સંચાલકોને સીધો અને મોટો આર્થિક લાભ મળશે. સરકારના આ નિર્ણયથી કરોડો પાત્રતા ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો સુધી અનાજનું વિતરણ કરવાની પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનશે.

 

વધારેલા કમિશનની ચૂકવણી ૧ એપ્રિલ, ૨૦૨૬ થી લાગુ થશે:

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આદેશ અનુસાર, વાજબી ભાવની દુકાનના સંચાલકોને આ વધારેલા કમિશનની ચૂકવણી ૧ એપ્રિલ, ૨૦૨૬ ની પાછલી અસરથી કરવામાં આવશે. લાંબા સમયથી એસોસિએશન અને સંચાલકો દ્વારા કરવામાં આવી રહેલી આર્થિક સધ્ધરતાની માંગણીનો સરકારે હકારાત્મક ઉકેલ લાવ્યો છે.

 

સરકારે કરી રૂ. ૬૭.૨૦ કરોડની જોગવાઈ: વિવિધ શ્રેણી હેઠળ ખર્ચની ફાળવણી:

રેશનિંગ દુકાનદારોના કમિશનમાં કરવામાં આવેલા આ મહત્ત્વના વધારાના ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કુલ રૂ. ૬૭.૨૦ કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. વિભાગના ઠરાવમાં દર્શાવ્યા મુજબ, આ ફાળવાયેલી કુલ રકમમાંથી વિવિધ શ્રેણીઓ હેઠળ ખર્ચનું આયોજન નીચે મુજબ કરવામાં આવ્યું છે:

 સામાન્ય શ્રેણી હેઠળ: રૂ. ૫૨.૬૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

 અનુસૂચિત જાતિ પેટાયોજના (SCSP) હેઠળ: રૂ. ૪.૧૧ કરોડની રકમ ફાળવવામાં આવી છે.

 જનજાતિ પેટાયોજના (TASP) હેઠળ: રૂ. ૧૦.૪૮ કરોડની રકમ ખર્ચવામાં આવશે.

 

ખર્ચમાં વધારો થતાં દુકાનદારોએ કરી હતી આર્થિક સહયોગની માંગ:

છેલ્લા કેટલાક સમયથી વાહન-વ્યવહારના ભાડા, મજૂરી ખર્ચ, દુકાનની જાળવણી તેમજ અન્ય આનુષંગિક સંચાલન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો હતો. આ વધતા જતા ખર્ચને અનુલક્ષીને વાજબી ભાવની દુકાનના સંચાલકોએ સરકાર સમક્ષ આર્થિક સહયોગ અને કમિશન વધારવા માટે રજૂઆતો કરી હતી. આ મંજૂરી મળતાં જ સંચાલકોમાં ખુશી વ્યાપી ગઈ છે અને આનાથી જાહેર વિતરણ પ્રણાલીનું સંચાલન વ્યવસ્થાપન વધુ સુદ્રઢ બનશે તે નક્કી છે.

(6:33 PM IST)