<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વહીવટી સુધારણા ક્ષેત્રે મોટો દૂરગામી નિર્ણય : તાલુકા કક્ષાએ બે અલગ-અલગ સમિતિઓ મર્જ કરી ૧૮ સભ્યોની યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટીની રચના કરી

GARCના ચતુર્થ અહેવાલની ભલામણો સ્વીકારી રાજ્ય સરકારે નિર્ણય લીધો : જૂની પ્રણાલીથી થતો સમય અને શક્તિનો બગાડ અટકશે : વિકાસ કામોમાં વિલંબ દૂર થઈ યોજનાઓ વધુ ઝડપી અને પારદર્શી બનશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:વહીવટી સુધારણાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ કાર્યરત 'તાલુકા આયોજન સમિતિ' અને 'આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો (ATVT) તાલુકા કાર્યવાહક આયોજન સમિતિ'ઓને મર્જ કરીને ૧૮ સભ્યો ધરાવતી 'યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી' (Unified Taluka Planning Committee-UTPC)ની રચના કરી છે. આ નવતર નિર્ણયથી તાલુકા કક્ષાએ વિકાસ આયોજન, સંકલન અને અમલીકરણને એક નવી દિશા પ્રાપ્ત થશે.

ઓગસ્ટ-૨૦૨૫માં ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા રજૂ કરવામાં આવેલા ચોથા અહેવાલમાં રજૂ કરાયેલી ભલામણોના આધારે આ સુધારો લાવવામાં આવ્યો છે. GARCએ પોતાના રિપોર્ટમાં નોંધ્યું હતું કે તાલુકા કક્ષાએ વિવેકાધીન ગ્રાન્ટ માટે તાલુકા આયોજન સમિતિ, ATVT યોજનાઓ માટે ATVT કારોબારી આયોજન સમિતિ અને નાણાં પંચ માટે તાલુકા પંચાયત આયોજન સમિતિ જેવી અલગ-અલગ સમિતિઓ કાર્યરત હતી. આ બહુવિધ સમિતિઓના કારણે એક જ સભ્યોએ વારંવાર બેઠકોમાં બેસવું પડતું હતું, જેનાથી કામોમાં પુનરાવર્તન થવાની શક્યતા રહેતી હતી અને નિર્ણય પ્રક્રિયામાં બિનજરૂરી વહીવટી વિલંબ તેમજ સમય અને શક્તિનો બગાડ થતો હતો. આ સમસ્યાઓના કાયમી ઉકેલ માટે એકીકૃત સંસ્થા બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.

નવી રચાયેલી UTPCના માળખા અને સંચાલનની વિગતો:

સમિતિનું માળખું: આ કમિટીમાં લોકશાહી અને વહીવટી સંતુલન જાળવવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ આ સમિતિના અધ્યક્ષ રહેશે. પ્રાંત અધિકારી (SDM) સહ-અધ્યક્ષ તરીકે અને તાલુકા વિકાસ અધિકારી (TDO) સભ્ય સચિવ તરીકે સેવા આપશે.

પ્રતિનિધિત્વ: સમિતિમાં સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્યો અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષોને સ્થાન આપવામાં આવ્યું છે.

તકનીકી અને વહીવટી અધિકારીઓ: આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, માર્ગ અને મકાન તેમજ કૃષિ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરાયો છે, જેથી જનપ્રતિનિધિઓના સ્થાનિક અનુભવ અને અધિકારીઓની વિષયગત નિપુણતાનો યોગ્ય સમન્વય થઈ શકે.

આ નિર્ણયથી સામાન્ય ગ્રામજનોને સીધો ફાયદો થશે. જુદી-જુદી સમિતિઓ વચ્ચેનો વહીવટી ગૂંચવાડો દૂર થતાં શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, માર્ગ, કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોની યોજનાઓનું એકીકૃત આયોજન શક્ય બનશે. વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન થવાથી સ્થાનિક જરૂરિયાતોને આધારે વિકાસ કાર્યોની પ્રાથમિકતાઓ ઝડપથી નક્કી કરી શકાશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આ નિર્ણયથી શાસન વધુ સરળ, પારદર્શક અને જવાબદાર બનશે. યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટીની સ્થાપનાથી નિર્ણય પ્રક્રિયા વેગવંતી બનશે અને વિકાસ કાર્યોની નિયમિત સમીક્ષા થવાથી 'વિકસિત ગુજરાત'ના સંકલ્પને વધુ મજબૂતી મળશે.

(12:42 PM IST)