તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
ચોમાસામાં રસ્તા તૂટી જવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દીર્ઘકાલીન નિર્ણય : રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ હવે ડામરના બદલે સિમેન્ટ કોંક્રીટથી બનશે
CC રોડનો બાંધકામ ખર્ચ ૩૦ થી ૪૦ ટકા વધુ હોવા છતાં ખર્ચની ચિંતા છોડી પ્રજાહિતને પ્રાધાન્ય અપાયું : ગામતળના વિસ્તારો અને ઔદ્યોગિક માર્ગોને પણ ક્રમશઃ સીસી રોડમાં ફેરવવાની પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીની જાહેરાત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના માર્ગોના મજબૂતીકરણ માટે એક મહત્વપૂર્ણ અને દીર્ઘકાલીન નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન વારંવાર રસ્તાઓ ધોવાઈ જવા અને ખાડા પડવાની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે હવેથી તમામ મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટ (CC) થી બનાવવામાં આવશે. કેબિનેટ બેઠક બાદ નિર્ણયોની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રજાહિતલક્ષી નિર્ણયની જાહેરાત કરી હતી.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ડામરના રસ્તાઓ વારંવાર તૂટી જવાની સમસ્યા સર્જાય છે, જેનાથી નાગરિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીના કાયમી નિવારણ અને નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકારે આ નિર્ણાયક પગલું ભર્યું છે. માત્ર શહેરી વિસ્તારો જ નહીં, પરંતુ ગામતળના વિસ્તારો જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય તેવા ડામરના રસ્તાઓને પણ ક્રમશઃ સીસી રોડમાં ફેરવવામાં આવશે. સુવિધાપથ યોજના અંતર્ગત ગામતળમાં સીસી રોડ બનાવવાની કામગીરી હાલ પણ ચાલી રહી છે, જેને વધુ ઝડપી બનાવાશે. આ ઉપરાંત ભારે અને અતિ ભારે વાહનવ્યવહાર ધરાવતા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ સીસી રોડની કામગીરીનો વ્યાપ વિસ્તારવામાં આવશે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે ડામર રોડની સરખામણીએ સીસી રોડનો બાંધકામ ખર્ચ ૩૦ થી ૪૦ ટકા જેટલો વધુ હોય છે. તેમ છતાં, મુખ્યમંત્રીએ ખર્ચની ચિંતા કર્યા વિના, પ્રજાને લાંબા ગાળાનો ગુણવત્તાયુક્ત અને ટકાઉ લાભ મળે તે આશયથી આ નિર્ણય લીધો છે.
સિમેન્ટ કોંક્રીટ (CC) રોડના મુખ્ય ફાયદાઓ:
સીસી રોડ અત્યંત મજબૂત હોવાથી તેનું આયુષ્ય ઘણું વધારે હોય છે અને સમય જતાં ઘસારો ઓછો થાય છે.
ભારે વાહનો, ઓવરલોડ વાહનો તથા મલ્ટી-એક્સલ વાહનોની સતત અવરજવર ઝીલવા માટે આ રસ્તાઓ શ્રેષ્ઠ સાબિત થાય છે.
રિપેરિંગ અને મેન્ટેનન્સની જરૂરિયાત ખૂબ ઓછી રહેતી હોવાથી લાંબા ગાળે સરકારી તિજોરી પર મરામતનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટે છે.
રસ્તા પર ખાડા પડવા કે ઉપરની સપાટી તૂટી જવાની સમસ્યામાંથી કાયમી ધોરણે છુટકારો મળે છે.
ભારે વરસાદવાળા વિસ્તારોમાં અને જ્યાં સતત પાણી ભરાઈ રહેતું હોય તેવી જગ્યાઓએ પણ સીસી રોડ ઉત્કૃષ્ટ અને ટકાઉ પરિણામ આપે છે.
રાજ્ય સરકારના આ મહત્વાકાંક્ષી નિર્ણયથી ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં માર્ગ માળખું વધુ દ્રઢ બનશે અને નાગરિકોને વર્ષો સુધી ખાડા મુક્ત રસ્તાઓની સુવિધા પ્રાપ્ત થશે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
