<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે ઈન્ડિયન નેવીના વેસ્ટર્ન નેવલ કમાન્ડના FOC-in-C વાઈસ એડમિરલ સંજય વાત્સ્યાયન

ગુજરાતના વ્યૂહાત્મક દરિયા કિનારાની સુરક્ષા અંગે ચર્ચા, અરબી સમુદ્રથી હોર્મુઝ સ્ટ્રેટ સુધીના વેપાર માર્ગો સુરક્ષિત કરવા વેસ્ટર્ન કમાન્ડની ભૂમિકા અંગે માહિતી આપી

ગાંધીનગર તા.૨૧ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત ભારતીય નૌકાદળના વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડીંગ ઈન ચીફ વાઈસ એડમિરલ સંજય વાત્સ્યાયને ગાંધીનગરમાં લીધી હતી.

 

વાઈસ એડમિરલ સંજય વાત્સ્યાયને મે-2026થી વેસ્ટર્ન નેવલ કમાન્ડના 35મા FOC-in-C તરીકે કાર્યભાર સંભાળ્યો છે. મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં તેમણે ગુજરાતના વ્યૂહાત્મક સમુદ્ર કિનારાની સુરક્ષા અંગે ભારતીય નૌસેનાની વિવિધ ગતિવિધિઓની જાણકારી આપી હતી.

 

શ્રી વાત્સ્યાયન 1988થી ભારતીય નૌકાદળમાં સેવારત છે અને સેવાકાળ દરમિયાન અનેક અગ્રણી યુદ્ધ જહાજો પર સેવાઓ આપી છે. વેસ્ટર્ન નેવલ કમાન્ડનો પદભાર સંભાળતા પૂર્વે તેઓ નેવલ હેડક્વાર્ટર્સ ખાતે વાઈસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા.

 

ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન નેવલ કમાન્ડના નેતૃત્વ હેઠળ સમગ્ર અરબી સમુદ્ર, પશ્ચિમ હિન્દ મહાસાગર, હોર્મુઝ સ્ટ્રેટ, બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ અને સુએઝ કેનાલ તથા મોઝામ્બિક ચેનલ અને કેપ ઓફ ગુડ હોપ જેવા મહત્વપૂર્ણ ચેક પોઈન્ટ્સ આવરી લેવાયા છે. દેશના પશ્ચિમી દરિયા કાંઠાનું રક્ષણ, વેપાર અને ઉર્જા માર્ગો સુરક્ષિત કરવા તથા ભારતની દરિયાઈ સરહદોના રક્ષણમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડની પ્રાથમિક ભૂમિકા છે.

 

આ મુલાકાત દરમિયાન વાઈસ એડમિરલ વાત્સ્યાયને મુખ્યમંત્રીને સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કર્યું હતું.

(4:22 PM IST)