<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિશ્વ ગુજરાતી સમાજના ‘વિશ્વમેળો’ના નવસંચાર વિશેષાંક અને નવી અદ્યતન વેબસાઈટનું લોન્ચિંગ

ગાંધીનગર તા.૩૦  : મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પ્રકાશિત ‘વિશ્વમેળો’ના નવસંચાર વિશેષાંક તેમજ સંસ્થાની નવી અદ્યતન વેબસાઈટનું લોન્ચિંગ કર્યું હતું. આ વિશેષાંક ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી ભાષા અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓની વિવિધ સિદ્ધિઓને પ્રતિબિંબિત કરતી અવનવી વાંચનસામગ્રીથી ભરપૂર છે.

વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પ્રકાશિત આ નવસંચાર વિશેષાંકમાં ગુજરાતી ભાષા-સંસ્કૃતિના સંવર્ધન, વૈશ્વિક સ્તરે ગુજરાતીઓની સિદ્ધિઓ અને સમાજના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. નવસંચાર પામેલા આ સામયિકમાં હવે વાચકોને નૂતન વિચારો, નવી પહેલો, નવા વિભાગો અને અવનવી માહિતી જાણવા મળશે. આ ઉપરાંત ગુજરાતી સંગઠનો અને વિવિધ સમાજોના સમાચારો પણ તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. યુવા વર્ગ, મહિલા વર્ગ, વ્યાપારી વર્ગ અને જુદા જુદા ક્ષેત્ર માટે ઉપયોગી સામગ્રી ‘વિશ્વમેળો’ના અંકોમાં સમાવેશ કરાશે, જેનાથી દરેક વયજૂથના વાચકોને કંઈક નવું જાણવા મળશે.

 

આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજની નવી અદ્યતન વેબસાઈટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેબસાઈટ વિશ્વભરના ગુજરાતીઓને એક મંચ પૂરું પાડશે. જેના માધ્યમથી સમાજના સભ્યો વચ્ચે વધુ સારું જોડાણ અને જાણકારીનો પ્રવાહ સરળ બનશે. વિદેશમાં વસતા ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહી શકશે અને ગુજરાતની પ્રગતિથી અવગત રહી શકશે.

 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે ગુજરાતી સંસ્કૃતિ અને ભાષાના સંરક્ષણ તેમજ પ્રસાર-પ્રચાર માટે વિશ્વ ગુજરાતી સમાજના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે આવી પહેલોને ગુજરાતની વૈશ્વિક ઓળખને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપનારી ગણાવી હતી. તેમણે કહ્યું કે વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓએ પોતાની મહેનત અને હુન્નરથી ગુજરાતનું નામ રોશન કર્યું છે અને આવી પહેલોથી નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડાવાની પ્રેરણા મળશે.

 

આ અવસરે વિશ્વ ગુજરાતી સમાજના નવનિયુક્ત પ્રમુખ  ભાવેશ લાખાણીએ ગુજરાતી સમાજને સંગઠિત અને સશક્ત બનાવવા માટેના તેમના વિઝન વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સંસ્થા આગામી સમયમાં વિવિધ શહેરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, યુવા સંમેલનો અને વેપારી મીટનું આયોજન કરશે. આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ શાહ, સુધીર રાવલ, યોગેશભાઈ લાખાણી, નયનભાઈ પરીખ, મનીષભાઈ શર્મા, બિપિનભાઈ સોની સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:58 PM IST)