તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની જિલ્લા તંત્રોને કડક તાકીદ : અરજીઓનું સમય મર્યાદામાં ન્યાયિક નિરાકરણ લાવો, પ્રજાને કચેરીઓના ધક્કા ખવડાવવાનું બંધ કરો
મે-૨૦૨૬ના લોક દરબારમાં સમગ્રતયા ૪૦૨૦ રજૂઆતોનો નિકાલ : જાહેર રસ્તાઓ પર ગેરકાયદે દબાણ કરનારા અસામાજિક તત્વો સામે કડકાઈથી પેશ આવી ખેડૂતોને સલામતીનો અહેસાસ કરાવવા પોલીસ તંત્રને આદેશ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત પ્રજાની રજૂઆતોનો સમય મર્યાદામાં ન્યાયિક અને સરળ રીતે ઉકેલ લાવવા માટે તમામ જિલ્લા વહીવટી તંત્રોને સ્પષ્ટ અને કડક દિશા નિર્દેશો આપ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વહીવટી કામગીરી એવી હોવી જોઈએ જેથી પ્રજાનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને. જો કોઈપણ અરજદારનું કામ નિયમાનુસાર થવા પાત્ર હોય તો તેમાં બિનજરૂરી વિલંબ કર્યા વિના તાત્કાલિક પૂરું કરી આપવું જોઈએ, અને જો નિયમ મુજબ કામ થઈ શકે તેમ ન હોય તો અરજદારને ખોટા આશ્વાસનો આપીને વારંવાર કચેરીના ધક્કા ખવડાવવાને બદલે તાત્કાલિક લેખિત કે મૌખિક સ્પષ્ટ જવાબ પાઠવી દેવો જોઈએ.
મે-૨૦ seat૨૬ મહિનાના આ રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રૂબરૂ આવેલા ખેડૂતો અને સામાન્ય નાગરિકોની રજૂઆતો અત્યંત સંવેદનાપૂર્વક સાંભળીને સ્થળ પર જ ત્વરિત નિવારણની સૂચનાઓ આપી પ્રો-પીપલ ગવર્નન્સની પ્રતીતિ કરાવી હતી. સામાન્ય રીતે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો આ કાર્યક્રમ આ વખતે મે મહિનાના ચોથા ગુરુવારે જાહેર રજા હોવાના પરિણામે શનિવારે આયોજિત કરવામાં આવ્યો હતો. આ લોક દરબારમાં મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં ૨૧૫થી વધુ અરજદારો પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા સ્વાગતમાં ૧૫૩૧ અને તાલુકા સ્વાગતમાં ૨૨૭૪ મળીને સમગ્રતયા ૪૦૨૦ અરજદારોની રજૂઆતો નોંધીને સંબંધિત વિભાગોને આગળની જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.
આ બેઠકમાં જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ તેમના ખેતરોમાં જવા-આવવાના જાહેર રસ્તાઓ પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે અને બિનઅધિકૃત દબાણો અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. ધરતીપુત્રોની આ પીડાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનને કડક આદેશ આપ્યા હતા કે જાહેર રસ્તાઓ પર દબાણ કરનારા તત્વો સામે કડકાઈથી પેશ આવવું અને રસ્તાઓ ખુલ્લા કરાવવા, જેથી ખેડૂતો પોતાના ખેતીના સાધનો અને ખેતપેદાશો સરળતાથી લઈ જઈ શકે અને પોતાને સંપૂર્ણ સલામત અનુભવે.
કાર્યક્રમ દરમિયાન વિવિધ જિલ્લાના જમીન અને મકાન બાંધકામને લગતા જટિલ પ્રશ્નોનું પણ સ્થળ પર જ નિવારણ લાવવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના એક અરજદારની ખેતીની જમીનમાં હયાતીમાં હક દાખલ કરવા અને હક્ક કમીની નોંધ પ્રમાણિત કરવાના મુદ્દે અગાઉ થયેલી વહીવટી ભૂલને કારણે અરજદાર પર સ્ટેમ્પ ડ્યુટીનો નાણાકીય બોજ ન પડે તે માટે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરને જણાવાયું હતું. અમદાવાદ જિલ્લાના ખેડૂતોના રિ-સર્વે બાદ ૭/૧૨નું પાનિયું બંધ થઈ જવાની રજૂઆત મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કલેક્ટરને તાત્કાલિક પાનિયું જનરેટ કરવાનો હુકમ કરી સુધારા કરવા તાકીદ કરી હતી. વડોદરા જિલ્લાના કિસ્સામાં તેમણે નિર્દેશ આપ્યો કે જો સરકારી કચેરીમાં રેકોર્ડ ઉપલબ્ધ ન હોય પરંતુ અરજદાર પાસે ગામતળના વાડાની પ્રમાણિત નકલ હોય તો તેની યોગ્ય ચકાસણી કરી તેને માન્ય ગણવી. અરવલ્લી જિલ્લામાં નગરપાલિકામાં ગામનો સમાવેશ થયા બાદ વિકાસ યોજનાના વિલંબને કારણે અટકેલી રહેણાંક બાંધકામની રજા ચિઠ્ઠીની પ્રક્રિયા પણ તાત્કાલિક શરૂ કરવા નગરપાલિકાને આદેશો અપાયા હતા.
ગાંધીનગર ખાતે યોજાયેલા આ ઉચ્ચ સ્તરીય રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે તેમના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર તેમજ ખાસ ફરજ પરના અધિકારીઓ ધીરજ પારેખ અને રાકેશ વ્યાસ સહિત વિવિધ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર ઓનલાઈન ફરિયાદ નિવારણ પ્રક્રિયા દરમિયાન રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્રના વડાઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધા જોડાયા હતા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો સંદર્ભે સ્થળ પરની પૂરક વિગતો અને જરૂરી માહિતી પૂરી પાડી હતી.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
