<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

રાજ્યમાં ઓછા વરસાદવાળા પંથકોમાં પશુધનની સુરક્ષા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સંવેદનશીલ નિર્ણય : ઘાસચારાની વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટરોને સોંપાઈ સીધી સત્તા : જુઓ વિડિયો

વહીવટી પ્રક્રિયાના વિલંબને નિવારવા સરકારે લીધું મોટું પગલું : ગૌશાળા અને પાંજરાપોળના પશુઓને સમયસર પૂરતો ચારો મળી રહે તે માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી જાહેરાત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:ગુજરાત સરકારે રાજ્યના મૂંગા પશુધનની સુરક્ષા અને કલ્યાણ માટે કેબિનેટ બેઠકમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્યના જે ભૌગોલિક વિસ્તારોમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાયો છે, તેવા તમામ અછતગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરોને સીધી સત્તા સોંપવાનો આદેશ કર્યો છે.

મંજૂરી પ્રક્રિયાનો સમય બચાવવા લેવાયો મહત્વનો નિર્ણય:
આ લોકાભિમુખ નિર્ણય અંગેની સત્તાવાર વિગતો આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારાની વહીવટી મંજૂરી મેળવવાની પ્રક્રિયા લાંબી ચાલતી હોય છે, જેમાં ઘણો સમય વ્યતીત થઈ જતો હોય છે. સરકારી પ્રક્રિયાના આ વિલંબના કારણે ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા નિર્દોષ પશુઓને હાલાકી ભોગવવી ન પડે અને સમયસર પૂરતો ચારો મળી રહે તે માટે આ સીધી સત્તા સોંપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

 જિલ્લા કલેક્ટરો હવે સ્થાનિક સ્થિતિ જોઈને ત્વરિત નિર્ણયો લઈ શકશે:
નવી વહીવટી જોગવાઈઓ અનુસાર, હવેથી જિલ્લા કલેક્ટરો પોતાના જિલ્લાની વાસ્તવિક અને જમીની પરિસ્થિતિ તેમજ પશુધનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઘાસચારાની ફાળવણી બાબતે ગાંધીનગરની મંજૂરી વગર સ્થાનિક સ્તરે જ ત્વરિત નિર્ણયો લઈ શકશે. સરકારના આ વહીવટી સુધારાને કારણે સમયનો વ્યય અટકશે અને રાજ્યના રખડતાં પશુઓ, ગૌશાળાઓ તેમજ રજિસ્ટર્ડ પાંજરાપોળોને કટોકટીના સમયે ખૂબ જ ઝડપથી ઘાસચારો પૂરો પાડી શકાશે, જે પશુધનની સુરક્ષામાં આશીર્વાદરૂપ સાબિત થશે.

(5:17 PM IST)