News of Thursday, 26th November 2026
નાગરિકોની રજૂઆતોનો પોઝિટીવ એપ્રોચથી ઉકેલ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જિલ્લા કલેક્ટરો અને સંબંધિત વિભાગોને સ્પષ્ટ તાકીદ
મંજૂર થયેલા પ્લોટનો કબજો અને સનદ સોંપવા, ગેરકાયદેસર દબાણો દૂર કરવા મુખ્યમંત્રીની સૂચનાઓ: નવેમ્બર-2026ના રાજ્ય સ્વાગતમાં 240થી વધુ રજૂઆતો ઉપરાંત જિલ્લા અને તાલુકા સ્વાગત મળીને 4,122થી વધુ રજૂઆતો પરત્વે યોગ્ય જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી

ગાંધીનગર:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સામાન્ય નાગરિકોની રજૂઆતો અને લોકફરિયાદોનો પોઝિટીવ એપ્રોચ સાથે સમયમર્યાદામાં ઉકેલ લાવવાની નવેમ્બર માસના રાજ્ય સ્વાગતમાં જિલ્લા કલેક્ટરો અને સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન ફરિયાદ નિવારણમાં ટેક્નોલોજીયુક્ત અભિગમથી શરૂ કરાવેલો ‘સ્વાગત’ સામાન્ય માનવીની રજૂઆતોના ત્વરિત નિવારાકરણનું સક્ષમ માધ્યમ બન્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ પરંપરાને આગવી સંવેદનાથી આગળ ધપાવતાં નવેમ્બર-2026ના રાજ્ય સ્વાગતમાં ગ્રામીણ ખેડૂતો સહિતના રજૂઆતકર્તાઓની સમસ્યાઓનું નિરાકરણ કર્યુ હતું.
આ રાજ્ય સ્વાગતમાં 240થી વધુ રજૂઆતકર્તાઓ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગતમાં કુલ 1,733 અને તાલુકા સ્વાગતમાં કુલ 2,149 મળીને કુલ 4,122થી વધુ રજૂઆતકર્તાઓની અરજીઓ પરત્વે જરૂરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી સમક્ષ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામના અરજદારે તેઓના પિતાને મંજૂર થયેલા પ્લોટનો કબજો તથા સનદ સોંપવા અંગેની રજૂઆત કરી હતી. આ રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી અરજદારને જરૂરી પ્રક્રિયા હાથ ધરી મંજૂર થયેલા પ્લોટનો કબજો સોંપવા જિલ્લા કલેક્ટર અને સ્થાનિક વહીવટી તંત્રને સૂચના આપી હતી.
આ ઉપરાંત રાજકોટના કુવાડવા ગામે આવેલી પ્રા. લિ. કંપનીને સરકાર તરફથી મળવાપાત્ર સબસિડી અંગેની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગ અને ખાણ વિભાગને અરજદારને એક માસમાં સબસિડી મળી જાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સાગવાડી ગામના અરજદાર દ્વારા ગામતળનો પ્લોટ ફાળવવા અંગે કરવામાં આવેલી રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરને આજુબાજુનાં ગામોમાં જ્યાં પ્લોટ ઉપલબ્ધ હોય ત્યાં અરજદારને પ્લોટ ફાળવવા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા તાલુકાના લુણીધર ગામમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા અંગેની રજૂઆતના સંદર્ભમાં મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરને તાત્કાલિક દબાણ દૂર કરાવવા સૂચના આપી હતી. જો ફરીથી દબાણ કરવામાં આવે તો જવાબદાર વ્યક્તિ સામે FIR દાખલ કરવાની પણ સ્પષ્ટ સૂચના આપી હતી.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કડી નગરપાલિકા વિસ્તારમાં આવેલી ખેતીની જમીનમાં ગટરનું ગંદું પાણી ભરાઈ રહેવાના પ્રશ્ન અંગે મુખ્યમંત્રીએ GUDCને અરજદારના ખેતરમાં ગંદું પાણી ભરાઈ ન રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ ગટરલાઇનની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.
મોરબી જિલ્લામાં NHAIના રોડના એલાઇનમેન્ટમાં કાયદાકીય પ્રક્રિયા વિના જમીનના ઉપયોગ અંગેની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને અરજદારની જમીન પરત આપવા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના આપી હતી.
અમદાવાદના અરજદારના ઘરનો કબજો ધાક-ધમકીથી ગેરકાયદેસર રીતે અન્ય લોકો દ્વારા મેળવી લેવામાં આવ્યો હોવા અંગેની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રીએ અમદાવાદ કલેક્ટર અને પોલીસ કમિશનરને ગેરકાયદેસર કબજો તાત્કાલિક ખાલી કરાવી અરજદારને તેમના ઘરનો કબજો સોંપવા અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
વડોદરા શહેરના તાંદલજા તળાવમાં દુષિત પાણી આવવા તેમજ તળાવના બ્યુટીફિકેશન અંગેની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનરને તળાવમાં ગટરનું ગંદું પાણી ન આવે તે માટે પાઇપલાઇન નાખી દુષિત પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા, જૂની ગટરની મુખ્ય લાઇન બદલવા તેમજ તળાવના બ્યુટીફિકેશનની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.
નવેમ્બર-2026ના રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોની વિવિધ રજૂઆતોનો હકારાત્મક અભિગમ સાથે ઉકેલ લાવવાની સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યાં હતા.
આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારીઓ ધીરજ પારેખ અને રાકેશ વ્યાસ તેમજ સંબંધિત વિભાગોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ ગાંધીનગરથી તેમજ જિલ્લા કલેક્ટરઓ વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
