તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે 4 લાખ કરોડના બજેટ અને અમદાવાદ-મહેસાણા 8-લેન હાઈવેની મોટી જાહેરાત કરી
મહેસાણાના લિંચમાં 'વિકાસ સંકલ્પ યાત્રા': મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાના ઉકેલ અને 10 લાખની મર્યાદાવાળા આયુષ્માન કાર્ડનો ઉલ્લેખ કર્યો : પૂર્વ DyCM નીતિનભાઈ પટેલે વિરોધી તત્વો સામે એકજુથ થઈને લડવા કાર્યકરોને હાકલ કરી

મહેસાણા જિલ્લાના લિંચ ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ યાત્રા' માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કડી ખાતેથી ખૂબ જ સારી શરૂઆત થઈ છે, જ્યાં 28 જેટલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. તેમણે ઉમેર્યું કે ચૂંટણીમાં હંમેશા કામોનો હિસાબ આપવો પડે છે અને ભાજપે હંમેશા વિકાસના નક્કર કામો જનતા સમક્ષ મૂક્યા છે.
મુખ્યમંત્રીએ ભૂતકાળને યાદ કરતા કહ્યું કે એક સમયે ઉત્તર ગુજરાત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરતું હતું, પરંતુ આજે નહેર દ્વારા આ વિસ્તાર પાણીથી સમૃદ્ધ થયો છે. રાજ્ય સરકાર હવે 4 લાખ કરોડના બજેટ સાથે આગળ વધી રહી છે. વિકાસના વિઝન અંગે તેમણે કહ્યું કે, 'અમદાવાદ-મહેસાણા હાઈવે ને 8-લેન બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જે ગુજરાતનો સૌથી મોટો હાઈવે હશે.'
ખેડૂતોના હિતની વાત કરતા CMએ જણાવ્યું કે આજે અનેક યોજનાઓ ફોનના ટેરવે ઉપલબ્ધ છે. સરકારે દરેક ધારાસભ્યને ભૂગર્ભ જળસ્તર સુધારવા માટે ખાસ ગ્રાન્ટ ફાળવી છે. આ ઉપરાંત, પ્રજાના સ્વાસ્થ્યની ચિંતા કરતા આયુષ્માન કાર્ડની મર્યાદા વધારીને 10 લાખ કરવામાં આવી છે. રોજગારી માટે વાઈબ્રન્ટ ગુજરાત દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં વિશ્વની 500 મોટી કંપનીઓમાંથી 100 કંપનીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સભા સ્થળેથી આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે કાર્યકરોને આહવાન કર્યું હતું કે અત્યારે ઉત્સવ મનાવવાનો સમય નથી, પરંતુ ભારત વિરોધી અને ગુજરાત વિરોધી તત્વોનો સફાયો ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની છે. તેમણે તમામ નાના-મોટા મતભેદો ભૂલીને કમર કસવા અને ભાજપના 100 ટકા ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
