<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

સાબરકાંઠાના આદિજાતિ વિસ્તારના કાચા રસ્તાને પાકો બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રૂ. ૯૯.૫૦ લાખ મંજૂર કર્યા : 'સ્વાગત' કાર્યક્રમ બન્યો લોકપ્રશ્નોના ત્વરિત ઉકેલનું માધ્યમ

ઓગસ્ટ-૨૬ના 'રાજ્ય સ્વાગત'માં વિજયનગર તાલુકાના નાગરિક તુષારભાઈએ કરેલી રજૂઆતનો માત્ર ત્રણ મહિનામાં જ આવ્યો સુખદ ઉકેલ : ભટેલા ગામના રસ્તાને ડામર સપાટીથી કન્વર્ટ કરાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:સામાન્ય નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના અસરકારક નિવારણ માટે 'સ્વાગત' (સ્ટેટ વાઈડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અત્યંત સચોટ અને અસરકારક માધ્યમ પુરવાર થઈ રહ્યો છે. આ માધ્યમથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ઓગસ્ટ-૨૬ માસના રાજ્ય સ્વાગતમાં મળેલી સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તારના ગ્રામીણ નાગરિકની ગામનો પાકો રસ્તો બનાવવાની રજૂઆતનો ત્વરિત અને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ભટેલા ગામના કાચા મેટલ રસ્તાને ડામર સપાટીનો પાકો રોડ બનાવવાના કામ માટે રૂ. ૯૯.૫૦ લાખની નાણાકીય મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલી 'સ્વાગત'ની આ પરંપરાને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગતમાં સ્વયં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળી યોગ્ય નિરાકરણની સૂચનાઓ આપતા હોય છે.

ઓગસ્ટ-૨૬ના રોજ યોજાયેલા રાજ્ય સ્વાગતમાં વિજયનગર તાલુકાના નવાગામ ધનેલાના નાગરિક તુષારભાઈએ ભટેલા ગામના મેટલ રસ્તાનું કામ પૂરું કરી તેને ડામર સપાટીનો પાકો રોડ બનાવી આપવા રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા કલેક્ટર પાસેથી વિગતો મેળવીને હકારાત્મક અભિગમ સાથે આ કામ ત્રણ મહિનામાં પૂરું કરી દેવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

આ નિર્ણયને ઝડપથી અમલી બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માર્ગ મકાન વિભાગને ઈમરજન્સી ટેન્ડર રોડ અન્વયે રૂ. ૯૯.૫૦ લાખ મંજૂર કરીને 'જે કહેવું તે કરવું'ની કાર્ય સંસ્કૃતિને સાકાર કરી છે.

(4:31 PM IST)