<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના જન્મદિવસે કર્યા સોમનાથદાદાના વર્ચ્યુઅલ દર્શન : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા 'સ્વાભિમાન પર્વ' માટે કરાવ્યું વિશેષ રજિસ્ટ્રેશન

સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા મુખ્યમંત્રી વતી મહાદેવનો રુદ્રાભિષેક અને વિશેષ પૂજન વિધિ સંપન્ન કરાઈ : આગામી સમયમાં રૂબરૂ જઈને દર્શન કરવાની સીએમએ વ્યક્ત કરી નેમ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે પોતાના જન્મદિવસના પાવન અવસરે આધ્યાત્મિકતા સાથે દિવસની શરૂઆત કરી છે. વ્યસ્ત સમયપત્રક વચ્ચે પણ તેમણે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન શ્રી સોમનાથ મહાદેવના ઓનલાઈન માધ્યમથી દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ સોમનાથદાદાના વર્ચ્યુઅલી દર્શન કરીને મહાપૂજામાં ભાગ લેવાનું અહોભાગ્ય પ્રાપ્ત કર્યું હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

 

પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી રુદ્રાભિષેક કરાયો:

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સોમનાથ મંદિર ટ્રસ્ટના વિદ્વાન પૂજારીઓ દ્વારા શ્રી સોમનાથ મહાદેવનો વિશેષ રુદ્રાભિષેક અને વિશિષ્ટ પૂજન અર્ચન સંપન્ન કરવામાં આવ્યા હતા. ડિજિટલ માધ્યમથી જોડાયેલા મુખ્યમંત્રી માટે આ ક્ષણો અત્યંત શ્રદ્ધા અને આસ્થામય બની રહી હતી.

 

પીએમ નરેન્દ્રભાઈ મોદીના પ્રકલ્પ 'સ્વાભિમાન પર્વ' માટે કરાવ્યું નોંધણી:

આ ધાર્મિક મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોમનાથ ખાતેથી લોન્ચ કરવામાં આવેલા 'સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા' અંતર્ગત પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. વર્ચ્યુઅલ માધ્યમથી પૂજામાં જોડાયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ મહાપૂજા માટે આગામી સમયમાં સોમનાથ મંદિરે વ્યક્તિગત રીતે રૂબરૂ જઈને મહાદેવના પ્રત્યક્ષ દર્શન કરવાની તેમની દ્રઢ નેમ છે.

(1:20 PM IST)