<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૮,૧૬૯ નવ નિયુક્ત વિદ્યાસહાયકોને ભલામણ પત્રો એનાયત કર્યા

નવી નિમણુંક મેળવી રહેલા શિક્ષકો વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરનારા અમૃતકાળના સાચા પ્રહરીઓ છે: શિક્ષણ ક્ષેત્રે પણ નારી શક્તિનો દબદબો વધ્યો: વિદ્યા સહાયકોની આ પારદર્શી ભરતીમાં ૬,૦૦૦થી વધુ મહિલા ઉમેદવારો:શિક્ષકો ડિઝીટલ- સોશિયલ મિડિયાનો વિવેક પૂર્ણ ઉપયોગ કરે તેવી મુખ્યમંત્રીની તાકીદ

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં નવી નિમણુંક મેળવનારા નવ નિયુક્ત વિદ્યાસહાયકોને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરનારા અમૃતકાળના સાચા પ્રહરી ગણાવ્યા છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, રાજ્ય સેવામાં જોડાઈ રહેલા આ શિક્ષકો વિદ્યાર્થીઓનું એવું સંગીન ઘડતર કરે કે તેઓ વિકસિત ભારત્ના નિર્માણમાં સંપૂર્ણ સહયોગ આપી શકે.
પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તક પસંદગી પામેલા નવનિયુક્ત વિદ્યા સહાયકોનો અભિવાદન તથા ભલામણ પત્ર એનાયત કરવાનો ગૌરવપૂર્ણ સમારોહ અડાલજના ત્રિમંદિર ખાતે યોજાયો હતો. આ સમારોહમાં કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. 
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૮,૦૦૦થી વધુ વિદ્યા સહાયકોની ભરતીમાંથી ૬,૦૦૦થી વધુ મહિલા ઉમેદવારો પસંદગી પામી છે, તે શિક્ષણ ક્ષેત્રે વધી રહેલા નારી શક્તિના દબદબાનું પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો અભિગમ આજે વટવૃક્ષ બની ચૂક્યો છે, તેનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પૂર્ણ પારદર્શિતાથી મહેનતુ ઉમેદવારોની પસંદગી કરી છે. ઉમેદવારોને પોતાની મહેનતના આધારે નોકરી મળી છે તે વાતનો આનંદ અને ગૌરવ વાલીઓ તથા પરિવારજનોની વિશાળ ઉપસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. તેમણે શિક્ષણ વિભાગ આગામી સમયમાં વધુ ૧૦,૦૦૦ જેટલા શિક્ષકોની ભરતી કરવા માટેનું આયોજન કરી રહ્યો છે તેવો પણ સંકેત આપ્યો હતો.
શિક્ષકના પદનું ગૌરવ રેખાંકિત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષકનું પદ અત્યંત આદરણીય છે. વ્યક્તિ ગમે તેટલો મોટો ડોક્ટર, એન્જિનિયર કે સાયન્ટિસ્ટ બની જાય, પરંતુ તે પોતાના શિક્ષક સામે નમે જ છે. 
સંત જ્ઞાનેશ્વરનું માર્મિક રીતે ઉદાહરણ આપીને તેમણે શિક્ષકોને ડિઝિટલ અને સોશિયલ મિડિયાનો વિવેકપુર્ણ ઉપયોગ કરવાની તાકિદ પણ કરી હતી. શિક્ષક સમુદાયનું વર્તન અને આચરણ હંમેશા બાળ માનસ પર અસર કરે છે તેનો આ સંદર્ભમાં તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. 
મુખ્યમંત્રીએ નવનિયુક્ત વિદ્યા સહાયકો તથા તેમના પરિવારજનોને આગામી દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને રાજ્ય સેવામાં તેમને આવકાર્યા હતા.
ત્રિમંદિર, અડાલજ ખાતે યોજાયેલા આ અભિવાદન સમારોહમાં કેબિનેટ શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ નવનિયુક્ત વિદ્યાસહાયકોને આવકારતા કહ્યું હતું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવાના દ્રઢ સંકલ્પ સાથે ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમની આશરે ૧૧,૦૦૦ અને અન્ય માધ્યમોની આશરે ૯૮૭ જગ્યાઓ મળીને કુલ આશરે ૧૨,૦૦૦ વિદ્યાસહાયકોની ઐતિહાસિક ભરતી સંપૂર્ણપણે મેરિટ અને ટેકનોલોજીના આધારે પારદર્શક રીતે પૂર્ણ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ અનેક પરિવારોની આશાઓને નવી પાંખો આપીને ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો અવસર છે. 
વધુમાં શિક્ષણમંત્રીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, પાયાની સાક્ષરતા, સંખ્યા જ્ઞાન, કૌશલ્ય વિકાસ અને અનુભવ આધારિત શિક્ષણ પર ભાર આપીને બાળકોને ગોખણપટ્ટીને બદલે સમજણ આધારિત શિક્ષણ આપવું અનિવાર્ય છે. પ્રવૃત્તિઓ, વાર્તાઓ, પ્રયોગો અને ટેકનોલોજીના માધ્યમથી વર્ગખંડને જીવંત બનાવવા તેમણે નવનિયુક્ત યુવા શિક્ષકોને આહ્વાન કર્યું હતું. વાલીઓ સાથે સતત સંવાદ, બાળકોની નિયમિત હાજરી તથા સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપી 'વિકસિત ગુજરાત'થી 'વિકસિત ભારત'ના નિર્માણમાં સહભાગી બનવા પ્રેરણા આપી હતી તેમજ તમામ નવનિયુક્ત વિદ્યાસહાયકો અને તેમના પરિવારજનોને આગામી દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણેએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. 
શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ નવચયન પામેલા વિદ્યાસહાયકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, શિક્ષક એ માત્ર ભણાવનાર નહીં પણ ભવિષ્યના ઘડવૈયા છે, કારણ કે રાષ્ટ્રનું ભવિષ્ય વર્ગખંડોમાં સુનિશ્ચિત થાય છે અને શાળામાં જ ઉત્તમ વિચારવાન વ્યક્તિત્વ તથા ચરિત્ર નિર્માણનો પાયો નંખાય છે. માત્ર જ્ઞાન કરતાં આચરણ અને ચરિત્રનું મૂલ્ય સવિશેષ છે, તેથી શિક્ષણ એ માત્ર અક્ષરજ્ઞાન પૂરતું સીમિત ન રહેતાં મૂલ્યો, કૌશલ્યો તથા ટેકનોલોજી આધારિત હોવું જોઈએ.
ગુરુ રવીન્દ્રનાથ ટાગોરના વિચારોને ટાંકીને તેમણે ઉમેર્યું હતું કે, જેમને સાચી દેશસેવા કરવી હોય તેમણે શિક્ષણના ક્ષેત્રમાં કાર્ય કરવું જોઈએ, કારણ કે દેશના ભવિષ્ય નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અત્યંત અગત્યની છે. શિક્ષણ વ્યવસ્થામાં નવનિયુક્ત શિક્ષકો બાળકોમાં ઉત્તમ જ્ઞાન અને સંસ્કારોનું સિંચન કરી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરશે, તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, ગુજરાત શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી મુકેશ પંડ્યા, શાળાઓની કચેરીના કમિશનર આનંદ પટેલ, કલેક્ટર રવિન્દ્ર ખતાલે, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી પ્રકાશ ત્રિવેદી તથા બહોળી સંખ્યામાં વિદ્યાસહાયકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા

(8:31 PM IST)