<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

એકતાનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો ભવ્ય ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નો પ્રારંભ: સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું

આગામી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ચાલનારા આ અદભુત પ્રકાશોત્સવમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા, રાષ્ટ્રીય એકતા અને આધુનિક વિકાસની મનમોહક ઝાંખી જોવા મળશે; દેશ-વિદેશના પ્રવાસીઓ માટે બનશે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

એકતાનગર : સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના મંત્રને ચિરંજીવી બનાવતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સ્વપ્નને વધુ વેગવંતુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. ગત વર્ષે યોજાયેલા પ્રથમ પ્રકાશોત્સવને મળેલી અપાર સફળતા અને વ્યાપક જનપ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે સતત બીજા વરસે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પરિસર આ પ્રકાશોત્સવ દરમિયાન રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. દિવાળી અને દીપોત્સવીના તહેવારોમાં દેશભરમાંથી લાખો પ્રવાસીઓ એકતાનગરની મુલાકાતે આવતા હોય છે, ત્યારે આ પ્રકાશોત્સવ તેમની મુલાકાતને વધુ યાદગાર અને રોમાંચક બનાવશે.

 

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સરદાર સાહેબે દેશની અખંડિતતા માટે આપેલું યોગદાન અવિસ્મરણીય છે. રાજ્ય સરકાર રાષ્ટ્રીય એકતા દિવસ અને દીપોત્સવને વધુ ભવ્ય બનાવવા કટિબદ્ધ છે. આ પર્વના માધ્યમથી દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, કલા, ખાનપાન અને પરંપરાઓને એક જ મંચ પર પ્રદર્શિત કરવામાં આવી છે, જેથી દેશની વિવિધતામાં એકતાનું અદ્ભુત દર્શન થઈ શકે.

 

એકતાનગરમાં અંદાજે ૭.૬ કિલોમીટરના વિસ્તારમાં થીમ આધારિત આકર્ષક લાઈટિંગ અને ઇલ્યુમિનેશન કરવામાં આવ્યું છે. આ પ્રકાશોત્સવને ઇન્ડોર અને આઉટડોર એમ બે મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. ઇન્ડોર વિભાગમાં ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ચાર પ્રાદેશિક ઝોન ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં હિમાલયી સંસ્કૃતિ, પંજાબના લોકનૃત્યો, રામ મંદિર, અસમનો બિહુ, બંગાળી સંસ્કૃતિ, ગુજરાતના ગરબા, હમ્પી અને કેરળની બોટ રેસ જેવા સાંસ્કૃતિક પ્રતીકોને પ્રકાશ રચનાઓ દ્વારા સુંદર રીતે રજૂ કરાયા છે.

 

આઉટડોર વિભાગમાં ૧૧ જેટલા મુખ્ય સેક્શન બનાવવામાં આવ્યા છે, જેમાં ‘ભારત - સોને કી ચીડિયા’, ‘સમય કા ચક્ર’, દીપ સુરંગ, રંગબેરંગી ફુગ્ગાઓ અને યોગ જેવી થીમ્સ વિશેષ આકર્ષણ જમાવશે. આ ઉપરાંત, “વિકાસ ભી, વિરાસત ભી”ના ધ્યેયને અનુરૂપ મહિલા સશક્તિકરણ, આધુનિક ભારત, સુરક્ષા દળોની શૌર્યગાથા અને અવકાશ વિજ્ઞાન પર આધારિત રોશનીના શિલ્પો ભારતની પ્રગતિની ડૂબકી લગાવશે. બાળકો માટે પશુઓ અને જળચર દુનિયા આધારિત ખાસ આકર્ષણો પણ ઊભા કરવામાં આવ્યા છે.

 

આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણ તડવી, નર્મદા નિગમ અને એસઓયુના ચેરમેન શ્રી મુકેશ પુરી, આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ, પ્રવાસન સચિવ શ્રી કુલદીપ આર્ય, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ શ્રી અમિત અરોરા સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ મહિના સુધી ચાલનારો આ પ્રકાશોત્સવ પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય અને દિવ્ય અનુભવ બની રહેશે.

 

(8:27 PM IST)