<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

ગાંધીનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ત્રિદિવસીય એન્યુઅલ ટ્રેડ એક્સપોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ

'ગુજરાત વિઝન – ગ્લોબલ એમ્બિશન' થીમ સાથે GATE-2026 એક્સપો 16થી 18 એપ્રિલ સુધી, 18000 ચો.મી.માં 16થી વધુ સેક્ટરના સ્ટોલ્સ, MSME અને યુવા સાહસિકો માટે લોકલથી ગ્લોબલનું પ્લેટફોર્મ : ભૂપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર તા.૧૬ : મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ગાંધીનગરમાં ઉદઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર તથા ઈન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના સમન્વયથી ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગાંધીનગરના એક્ઝીબિશન સેન્ટર ખાતે 18000 ચોરસ મિટરની વિશાળ જગ્યામાં 16થી વધુ વિવિધ સેક્ટર્સના સ્ટોલ્સ સાથેનો આ એન્યુઅલ ટ્રેડ એક્સપો યોજાયો છે. ગુજરાત એડવાન્સ્ડ ટેક્નોલોજી એન્ડ ઈકોનોમી એક્સ્પો-2026 તા.16થી 18 એપ્રિલ દરમિયાન યોજાશે. એક્સપોમાં ઓટોમોબાઈલ, રિન્યુએબલ એનર્જી, આઈ.ટી., ફાર્માસ્યુટીકલ્સ, ટેક્સટાઈલ્સ તથા એ.આઈ. અને સાઈબર સિક્યુરીટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત વિઝન – ગ્લોબલ એમ્બિશનની થીમ સાથે યોજાઈ રહેલો આ એક્સપો એમ.એસ.એમ.ઈ. અને યુવા સાહસિકો માટે લોકલથી ગ્લોબલનું પ્લેટફોર્મ પુરુ પાડશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂ થયેલી વાઈબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત ગ્લોબલ ગેટવે ટુ ધી ફ્યુચર બન્યું છે. પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની ગુજરાતની ખ્યાતિમાં પોલિસી મેકિંગ માટે ગ્રાઉન્ડ રીપોર્ટ અને ફિડબેક આપવાનું મહત્વનું કામ ચેમ્બર ઓફ કોમર્સ કરે છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવીને મેઈક ઈન ઈન્ડિયા મેઈડ ફોર ધ વર્લ્ડનો વડાપ્રધાનશ્રીએ જે ધ્યેય રાખ્યો છે તે ગુજરાત ગ્રીન ગ્રોથ, રિન્યુએબલ એનર્જી, ઈ.વી. મેન્યુફેક્ચરીંગ, સેમિકન્ડક્ટર જેવા ઈમર્જીંગ સેક્ટર્સમાં લિડ લઈને સાકાર કરવા આગળ વધી રહ્યુ છે. દેશના જી.ડી.પી.માં ગુજરાત 8.3 ટકા, ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 18 ટકા અને એક્સપોર્ટમાં 31 ટકાનો ફાળો આપે છે. વિકસિત ભારતના નિર્માણ માટે અર્નિંગ વેલ-લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત @ 2047 રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે.

આ પ્રસંગે ટોરેન્ટ પાવર લિમિટેડના વાઇસ ચેરમેન અને એમડી  જીનલ મહેતાએ જણાવ્યું કે વૈશ્વિક જીઓપોલિટિકલ અનિશ્ચિતતા વચ્ચે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતમાં ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે મહત્વની નીતિઓ ઘડીને નવી દિશા આપવામાં આવી રહી છે. GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે આ પ્રદર્શનમાં 610 જેટલા એક્ઝિબિટરનું રજીસ્ટ્રેશન થયું છે અને અંદાજે 30 હજાર કરતાં વધુ મુલાકાતીઓએ નોંધણી કરાવી છે જે 50 હજાર સુધી પહોંચવાની શક્યતા છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, CREDAI નેશનલના પ્રેસિડેન્ટ શેખર પટેલ, GCCIના સીની. વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ ગાંધી, ADC બેન્કના ચેરમેન અજય પટેલ સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:53 PM IST)