<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદ તથા રૂ. 4.50 લાખ વળતરનો હુકમ કરતી રાજપીપળા કોર્ટ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં ચાલી રહેલા C.C. No. 2250/ 2025ના ચેક રિટર્ન કેસમાં ફરિયાદી પક્ષના વકીલ જિતેન્દ્રસિંહ જે. ગોહિલની ધારદાર કાયદાકીય રજૂઆતને ધ્યાને લઈ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ એફ.એ.સિંધી દ્વારા આરોપીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.
કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષ તરફથી ચેક, બેંક રિટર્ન મેમો, કાનૂની નોટિસ, ગીરો કરાર તથા અન્ય દસ્તાવેજી અને મૌખિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદી પક્ષે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 118 અને 139 હેઠળ ઊભી થતી વૈધાનિક ધારણાઓ તથા સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના પ્રસ્થાપિત સિદ્ધાંતોના આધારે આરોપીનો બચાવ અસરકારક રીતે ખંડિત કર્યો હતો.
આરોપી તરફથી ચેકો માત્ર સિક્યુરિટી ચેક તરીકે આપવામાં આવ્યા હોવાનો બચાવ લેવામાં આવ્યો હતો. પરંતુ ફરિયાદી પક્ષની રજૂઆત તથા રેકર્ડ પરના પુરાવાના આધારે આ બચાવ વિશ્વસનીય રીતે સાબિત થયો ન હોવાનું અદાલતે નોંધ્યું હતું.
અદાલતે ફરિયાદી પક્ષની દલીલો તથા રેકર્ડ પરના પુરાવાનું મૂલ્યાંકન કર્યા બાદ આરોપીને Negotiable Instruments Act, 1881ની કલમ 138 હેઠળ દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદીને રૂ. 4,50,000/- વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
ચુકાદો જાહેર કરવામાં આવ્યો ત્યારે આરોપી અદાલતમાં હાજર ન હોવાથી તેની હાજરી સુનિશ્ચિત કરવા માટે અદાલતે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ પણ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી વકીલ જિતેન્દ્રસિંહ જે. ગોહિલે ધારદાર અને અસરકારક કાયદાકીય રજૂઆત કરી હતી.
મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ, રાજપીપળાની અદાલતમાં ચાલી રહેલ C.C. No. 2250/2025 માં ફરિયાદી સ્નેહલબેન મનોજકુમાર અગ્રવાલ તરફથી દાખલ કરવામાં આવેલ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881ની કલમ 138 હેઠળની ફરિયાદમાં અદાલતે આરોપી દક્ષેશકુમાર ફુલજીભાઈ દેસાઈને દોષિત ઠેરવ્યો છે.

(10:27 PM IST)