<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

સુરતના ઉધનાના જાહેર રોડ પર ગેરકાયદેસર ગટરમાં છોડાતા કેમિકલયુક્ત અને ઝેરી પાણી ફરી વળ્યાં : બીમારીઓ ફેલાવવાનું મોટું જોખમ

ઝેરી પાણીના સતત સંપર્કમાં આવવાથી ત્વચાના રોગો, શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની પૂરી આશંકા

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી મિલોની મનમાની અને બેજવાબદાર વલણને કારણે સ્થાનિક રહેવાસીઓ તથા રાહદારીઓ માટે નવો ખતરો ઊભો થયો છે. મિલો દ્વારા ગેરકાયદેસર રીતે ગટરમાં છોડવામાં આવતું કેમિકલયુક્ત અને ઝેરી પાણી ઉધનાના જાહેર રોડ પર ફરી વળતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ઔદ્યોગિક એકમોની આ બેદરકારીના કારણે આવનજાવન કરતા સામાન્ય નાગરિકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સમગ્ર પંથકમાં દુર્ગંધયુક્ત વાતાવરણ ફેલાઈ ગયું છે.

જાહેર રસ્તાઓ પર આ પ્રકારે ખુલ્લેઆમ કેમિકલનું પાણી ફરી વળવાથી સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર બીમારીઓનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ ઝેરી પાણીના સતત સંપર્કમાં આવવાથી ત્વચાના રોગો, શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની પૂરી આશંકા છે. સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે ઉદ્યોગોની મનમાની સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ ગંભીર પ્રશ્ને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની કામગીરી અને નિષ્ક્રિયતા સામે ભારે સવાલો ઉભા કર્યા છે. જવાબદાર તંત્રની ઘોર નિષ્કાળજીના કારણે જ મિલોના સંચાલકો બેફામ બનીને નિયમોની ધજાગરા ઉડાવી રહ્યા છે અને ખુલ્લેઆમ કેમિકલ છોડી રહ્યા છે. જો વહેલી તકે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવામાં નહીં આવે અને કડક કાર્યવાહી નહીં થાય, તો આગામી દિવસોમાં જનતા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ રહી છે.

(12:22 PM IST)