<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

સુરતમાં ઇંટોના વેપારના નામે લાખોની ઠગાઈ :ઠગ નરેન્દ્ર સારશ્વતને સાયબર ક્રાઇમ પોલીસે આખરે જેલના સળિયા પાછળ ધકેલી દીધો

જસ્ટ ડાયલ પર ખોટી વિગતો મૂકીને ગ્રાહકોને લલચાવનાર આ શખ્સ સામે અગાઉ પણ પાંચ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

સુરત: શહેરમાં સાયબર ક્રાઇમ પોલીસની ટીમે એક ચોંકાવનારા છેતરપિંડીના કેસનો પર્દાફાશ કર્યો છે. ઇંટોના વેપારના નામે ગ્રાહકો અને વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી નરેન્દ્ર સારશ્વતને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ થતા તેની અનેક ગુનાહિત કરતૂતોનો ભાંડો ફૂટ્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી નરેન્દ્ર અત્યંત શતિર રીતે કામ કરતો હતો. તે ઓનલાઇન પ્લેટફોર્મ 'જસ્ટ ડાયલ' પર જઈને ભઠ્ઠાવાળાના નંબરો મેળવતો અને ત્યારબાદ તેમના જ નામે અથવા ખોટા નામે એકાઉન્ટ બનાવીને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી જાહેરાતો આપતો હતો. જ્યારે કોઈ ગ્રાહક ઇંટો ખરીદવા માટે તેનો સંપર્ક કરતો, ત્યારે તે તેમની પાસેથી એડવાન્સ પેમેન્ટ પડાવી લેતો અને માલ પહોંચાડ્યા વગર જ રકમ પચાવી પાડતો હતો.

પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સામે અગાઉ પણ છેતરપિંડીના 5 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તે લાંબા સમયથી પોલીસને થાપ આપીને આ પ્રકારના ગુનાઓને અંજામ આપી રહ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને તેની પાસેથી અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને કેટલા લોકો તેની ઠગાઈનો ભોગ બન્યા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

(12:19 AM IST)