<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

સુરતના ઉધના કૈલાશનગર વિસ્તારમાં ચેન સાફ કરવાના બહાને ઠગાઈ :રોષે ભરાયેલા લોકોએ બંનેને રસ્તા વચ્ચે રોકી માર માર્યો

જાહેરમાં થયેલા હંગામાને પગલે વિસ્તારમાં ચકચાર મચી: સ્થાનિકોએ બંને શંકાસ્પદોને પોલીસને સોંપતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

સુરતના ઉધના કૈલાશનગર વિસ્તારમાં ચાંદીની ચેન સાફ કરવાના બહાને ઠગાઈનો મામલો સામે આવ્યો છે. ઠગાઈની જાણ થતાં સ્થાનિકોએ સતર્કતા દાખવી બે શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ બંનેને રસ્તા વચ્ચે રોકી માર માર્યો હતો. ભોગ બનનાર મહિલાએ પણ બંને શંકાસ્પદોને ચપ્પલ વડે માર માર્યો હતો. જાહેરમાં થયેલા હંગામાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકોએ બંને શંકાસ્પદોને પોલીસને સોંપતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉધના પોલીસની ટીમને સ્થાનિકોએ બંને આરોપીઓને સોંપી દીધા હતા. પોલીસે બંને ઠગબાજોની અટકાયત કરીને તેમની સામે છેતરપિંડીનો ગુનો નોંધવાની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પોલીસે આ શખ્સોએ અગાઉ વિસ્તારમાં અન્ય કોઈ મહિલાઓ સાથે આ પ્રકારની ઠગાઈ આચરી છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

(12:03 AM IST)