તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 10th June 2026
આવકવેરા ખાતાએ રજિસ્ટ્રેશન રદ કરી દેતાં ચેરિટેબલ ટ્રસ્ટો નારાજ
તમારા ઉદ્દેશ મુજબ કામ નથી કરતાં હોવાનું જણાવી :ચેરિટેબલ ટ્રસ્ટો તેમના બંધારણમાં દર્શાવેલા ઉદ્દેશ પ્રમાણે કામ ન કરતાં હોવાનું જણાવી રજિસ્ટ્રેશન રદ કર્યા

અમદાવાદ,તા.૧૦: ટ્રસ્ટોને નોટિસ આપ્યા પછી જવાબ આપવામાં વિલંબ કરનારા અસંખ્ય ટ્રસ્ટોના રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યા હોવાથી ટ્રસ્ટોની નારાજગી વધી ગઈ છે. બીજીતરફ આવકવેરાની સ્કૂટિનીમાં ચેરિટેબલ ટ્રસ્ટોના રિટર્નની સ્ક્રૂટિની કરવા પર ફોકસ કરવામાં આવી રહ્યું હોવાથી ટ્રસ્ટોની નારાજગી ઓર પણ વધી ગઈ છે. તેમાંય ટ્રસ્ટોના રજિસ્ટ્રેશન રદ કર્યા પછી તેમની કુલ આવકમાં ખર્ચને બાદ આપ્યા વિના સંપૂર્ણ આવક પર ૩૦ ટકાના દરે ટેક્સ વસૂલ કરવાનું ચાલુ કરી દઈને ટ્રસ્ટના સંચાલકોની હાલાકી વધારી દીધી છે. કેટલાક કિસ્સાઓમાં કલમ ૧૧૫-ટીડી લાગુ કરીને ટ્રસ્ટની મિલકતની વર્તમાન બજાર કિમત અને ચોપડામાં મિલકતની દર્શાવેલી કિમત વચ્ચેના ગાળાની રકમ વચ્ચેના તફાવતની રકમ પર ટેક્સ વસૂલવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. પરિણામે સંખ્યાબંધ ચેરિટેબલ ટ્રસ્ટોની હાલત કફોડી થઈ ગઈ છે. ટ્રસ્ટોને પનલ્ટી કરતા પહેલા તેમને સાંભળવાની તક પણ ન આપવામાં આવી હોવાની ફરિયાદ છે.
આવકવેરા ખાતાએ સંખ્યાબંધ ટ્રસ્ટોને નોટિસો આપીને તેમની તમામ વિગતો મોકલવાની સૂચના આપ્યા પછી છ મહિનાના ગાળામાં જવાબ ન આપે તો તેમના રજિસ્ટ્રેશન સીધા રદ જ કરી દીધા હતા. કેટલાક ટ્રસ્ટોએ જવાબ આપ્યા પરંતુ જે જવાબ આવકવેરા ખાતાના કમિશનર-ચેરિટેબલ ટ્રસ્ટને અપૂરતા લાગ્યા હોવાથી પણ તેના રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યા છે. ચેરિટેબલ ટ્રસ્ટોએ તેમના એક્ટિવિટી રિપોર્ટ ન આપ્યા હોવાના કારણો આગળ કરીને પણ તેમના રજિસ્ટ્રેશન રદ કરી દેવાતા સંખ્યાબંધ ટ્રસ્ટના સંચાલકોની હાલત કફોડી થઈ ગઈ છે. કારણ કે તેમના ૮૦ જીના લાભ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. તેઓ ધાર્મિક ટ્રસ્ટ હોવાથી આવકવેરા ધારાની કલમ ૮૦-જીનો લાભ મેળવી ન શકતા હોવાનું જણાવીને તમને ૮૦-જીના લાભથી વંચિત કરવામાં આવ્યા છે. તેમની પાસે ચેરિટેબલ ટ્રસ્ટના હિસાબો માગ્યા પછી સ્કૂલ ફી ચૂકવી હોય તેના પુરાવાઓ અને ચોપડાં કે નોટબુકનું વિતરણ કર્યું હોય તો તેના ફોટોગ્રાફસ પણ માગ્યા હતા. પરંતુ તે આપી ન શકયાત ટ્રસ્ટને રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યા છે. આ જ રીતે ટ્રસ્ટના બિલ્ડિંગના ફોટા મંગાવ્યા પછી તે ન આપી શકનારાઓના ટ્રસ્ટના રજિસ્ટ્રેશન પણ રદ કરી દેવામાં આવ્યા હતા.
આજ રીતે ટેકનિકલ કારણોસર એટલે કે ટ્રસ્ટો કોમર્શિયલ એક્ટિવિટી કરતાં હોવાના કારણો આગળ કરીને પણ તેમના રજિસ્ટ્રેશન રદ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજીતરફ ટ્રસ્ટ ડીડમાં ટ્રસ્ટોએ ઇરિવોકેબલ શબ્દ ન લખ્યો હોય એટલે કે ટ્રસ્ટ ક્યારેય બંધ કરી શકાશે નહિ તેવો શબ્દ ન લખ્યો હોવાથી પણ આ ટ્રસ્ટો ગમે ત્યારે વાવટા સંકેલીને બંધ કરી દેવામાં આવે તેવા હોવાનું જણાવીને પણ તેમના રજિસ્ટ્રેશ રદ કરી દેવામાં આવ્યા છે. તેમને તેમના બંધારણમાં ઈરિવોકેબલ શબ્દ ઉમેરવાની તક પણ ન આપી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. આવકવેરા ખાતાના પ્રસ્તુત પગલાં સામે મુંબઈ હાઈકોર્ટમાં ધા પણ નાખવામાં આવી છે. બીજું આવકવેરા કમિશનર-ચેરિટેબલ ટ્રસ્ટનો ઓર્ડર આવી ગયા પછી તેને કમિશનર ઈન્કમટેક્સમાં પડકારી શકાતો ન હોવાથી તેની સામે એપેલેટ ટ્રિબ્યુનલમાં જ અરજી કરવી પડે છે. આ અરજી કરીને ઉકેલ લાવવાની કામગીર ટ્રસ્ટ માટે ખર્ચાળ સાબિત થઈ રહી છે. પરિણામે ચેરિટેબલ ટ્રસ્ટની દુનિયામાં મોટી હલચલ મચી ગઈ છે અને અંધાધંધી કેલાઈ ગઈ છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
