તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અક્ષેશ એન્જીનિયર અને પી.આઈ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એલ.સી.બી.નો સપાટો : એક જ નંબર પ્લેટ પર દોડતી બે લક્ઝરી બસો ઝડપાઈ : જુઓ વિડિયો
સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સના ટેક્સ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ : કડોદરા ખાતેથી પી.એસ.આઈ. એ.એન. ચૌહાણની ટીમે આર.ટી.ઓ. ટેક્સ ચોરીનું નેટવર્ક પકડી પાડી બસ માલિક અજયભાઈ વામજા અને ચાલક સામે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી

સુરત: સરકારી ટેક્સની ચોરી કરવા માટે વાહન ચાલકો અને ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા અપનાવવામાં આવતી અવનવી અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીનો સુરત ગ્રામ્ય એલ.સી.બી. (LCB) એ પર્દાફાશ કર્યો છે. સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સના માલિક દ્વારા એક જ રજીસ્ટ્રેશન નંબર હેઠળ બે અલગ-અલગ પેસેન્જર લક્ઝરી બસો ચલાવી આર.ટી.ઓ. ટેક્સની ઉચાપત કરવાનું મોટું નેટવર્ક પોલીસના હાથે ઝડપાયું છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોક્કસ બાતમીના આધારે સ્પેશ્યલ ઓપરેશન
સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અક્ષેશ એન્જીનિયરના માર્ગદર્શન હેઠળ મિલ્કત સબંધી ગુનાઓ અને ટેક્સ ચોરી રોકવા માટે એલ.સી.બી. પી.આઈ. એન.જી. પાંચાણીની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન પી.એસ.આઈ. એ.એન. ચૌહાણ અને એ.એસ.આઈ. જગદીશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સના માલિક અજયભાઈ રમેશભાઈ વામજા પોતાની માલિકીની બસો પર એક જ રજીસ્ટ્રેશન નંબર લગાવી પેસેન્જર હેરફેરનું કામ કરે છે.
એક જ રજીસ્ટ્રેશન નંબર, એન્જીન અને ચેચીસ નંબર
બાતમીના આધારે પોલીસે કડોદરા ચાર રસ્તા ખાતે વોચ ગોઠવી નાશિકથી સુરત આવતી બસ નંબર AR-06-C-0444 ને પકડી પાડી હતી. તપાસ દરમિયાન પોલીસને વધુ એક આશ્ચર્યજનક વિગત જાણવા મળી હતી કે, આજ ટ્રાવેલ્સની અમરેલીથી સુરત રૂટની બીજી બસ પણ સુરતમાં જ કાર્યરત છે. એલ.સી.બી. એ રેઈડ કરી બીજી બસ પણ ઝડપી લેતા તપાસમાં ખુલાસો થયો હતો કે, બંને બસોમાં એક જ સરખા રજીસ્ટ્રેશન નંબર તેમજ એક જ સરખા ચેચીસ અને એન્જીન નંબર લગાવવામાં આવ્યા હતા.
સરકારને ટેક્સ ન ચૂકવવા રચાયેલું કૌભાંડ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સરકારને આર.ટી.ઓ. ટેક્સની મોટી રકમ ન ચુકવવી પડે તેવા બદઈરાદાથી ખોટા આર.ટી.ઓ. રેકર્ડ બનાવી આ આખું રેકેટ ચલાવવામાં આવતું હતું. દસ્તાવેજોમાં છેડછાડ કરી એક જ ઓળખ પર બે વાહનો દોડાવીને ટ્રાવેલ્સ માલિક મોટા પાયે આર્થિક લાભ મેળવતો હતો. પોલીસે આ મામલે કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આરોપીઓની વિગત અને તપાસ
પોલીસે આ કૌભાંડમાં બસ ચાલક બિજલભાઈ પુનાભાઈ ભુરખીયા (રહે. ઉજળવાવ, ભાવનગર) ની ધરપકડ કરી છે, જ્યારે ટ્રાવેલ્સ માલિક અજયભાઈ રમેશભાઈ વામજા (રહે. વરાછા, સુરત) ને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય એક બસમાં પણ ચેચીસ નંબર સાથે છેડછાડ થઈ હોવાની આશંકા જણાતા આર.ટી.ઓ. કચેરીના નિષ્ણાતોની મદદથી તપાસ લંબાવવામાં આવી છે. આ ઓપરેશનને પગલે ટેક્સ ચોરી કરતા અન્ય વાહન માલિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
