<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો :વ્યારા, વાલોડ અને ડોલવણ સહિતના પંથકમાં વરસાદી માહોલ

વાવણીલાયક વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર: કૃષિ પાકોને જીવતદાન મળતા ખેડૂતો હવે આગામી ખેતીના કામોને વેગ આપશે.

તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાની રાહ જોઈ રહેલા તાપીવાસીઓ અને ખાસ કરીને ધરતીપુત્રો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.

તાપી જિલ્લાના વ્યારા, વાલોડ અને ડોલવણ સહિતના પંથકમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદના આગમન સાથે જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વ્યારા શહેરના જનક નાકા અને મુખ્ય બજાર વિસ્તારમાં વરસાદી માહોલને કારણે રસ્તાઓ પર ભીનાશ જોવા મળી હતી, જેના કારણે વાતાવરણમાં તાજગી અને ખુશનુમા માહોલ સર્જાયો હતો.

તાપી જિલ્લો ખેતી આધારિત જિલ્લો હોવાથી વરસાદનું વિશેષ મહત્વ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે આ વરસાદ એક મોટી રાહત લઈને આવ્યો છે. વાવણીલાયક વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કૃષિ પાકોને જીવતદાન મળતા ખેડૂતો હવે આગામી ખેતીના કામોને વેગ આપશે.

વરસાદી વાતાવરણને કારણે બપોરના સમયે તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. વ્યારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા લોકોએ પણ આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો હતો. હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા છે.

(11:27 PM IST)