તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો: મેઘરજ અને ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
ભિલોડાના મણિનગર કંપા અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવન સાથે કરાનો વરસાદ:આકાશમાંથી બરફના ટુકડા (કરા) પડતા સ્થાનિક લોકોમાં કુતૂહલ જોવા મળ્યું

ગુજરાતમાં ઉનાળાની સિઝન વચ્ચે હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. અચાનક શરૂ થયેલા આ વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ ચાલુ સિઝનના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
મેઘરજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. જોતજોતામાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની ગતિ એટલી તીવ્ર હતી કે રોડ-રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ, ભિલોડા તાલુકામાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું. ભિલોડાના મણિનગર કંપા અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવન સાથે કરાનો વરસાદ થયો હતો. આકાશમાંથી બરફના ટુકડા (કરા) પડતા સ્થાનિક લોકો, ખાસ કરીને બાળકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. જો કે, આ કરા સાથેના વરસાદે સ્થાનિક ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે.
બદલાયેલા આ હવામાન અને કમોસમી વરસાદને કારણે કૃષિ ક્ષેત્રે મોટું નુકસાન થવાની સંભાવના છે. ખેતરોમાં ઉભા પાક અથવા લણણી કરેલા પાકને આ વરસાદથી ભારે નુકસાન થઈ શકે છે, જેને પગલે જગતનો તાત ચિંતાતુર બન્યો છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
