તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
વડોદરામાં આકાર પામી રહી છે મધ્ય ગુજરાતની સૌથી મોટી કાર્ડિયોલોજી હોસ્પિટલ, ૩૦૦ બેડની અત્યાધુનિક સુવિધાથી હૃદયરોગના દર્દીઓને મળશે નવજીવન
અમદાવાદની યુ.એન. મહેતા બાદ રાજ્યની સૌથી મોટી સરકારી કાર્ડિયાક ફેસિલિટીનું નિર્માણ કાર્ય અંતિમ ચરણમાં, પડોશી રાજ્યોના દર્દીઓ પણ થશે લાભાન્વિત

વડોદરા : વડોદરા શહેરના આજવા રોડ પર એસ.એસ.જી. (SSG) હોસ્પિટલ સંચાલિત મધ્ય ગુજરાતની સૌથી મોટી સ્ટેન્ડ-અલોન કાર્ડિયોલોજી હોસ્પિટલનું નિર્માણ કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદની ખ્યાતનામ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી બાદ રાજ્યની આ સૌથી મોટી સરકારી કાર્ડિયાક ફેસિલિટી બનવા જઈ રહી છે, જેનાથી માત્ર મધ્ય ગુજરાત જ નહીં પરંતુ પડોશી રાજ્યોમાંથી આવતા ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને હૃદયરોગની ગંભીર બીમારીઓમાં સુપર સ્પેશિયાલિટી સારવાર એક જ છત નીચે વિનામૂલ્યે અથવા રાહતદરે ઉપલબ્ધ બનશે.
પ્રોજેક્ટનું સંચાલન કરી રહેલા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાર્થ શાહના જણાવ્યા અનુસાર આ હોસ્પિટલ વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સરહદી તથા અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત પાંચ માળ ધરાવતી આ અત્યાધુનિક હોસ્પિટલમાં કુલ ૩૦૦ બેડની વ્યવસ્થા રહેશે, જેમાં ક્રિટિકલ દર્દીઓ માટે ૧૨૫ આઈસીયુ બેડ અને ૧૬૫ જનરલ બેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં ૧૦ ઓપીડી, ૧૦ સ્પેશિયલ રૂમ, ૨૦ સેમિ-સ્પેશિયલ રૂમ, ૪ અત્યાધુનિક કેથલેબ અને ૪ મોડ્યુલર ઓપરેશન થિયેટર ઊભાં કરવામાં આવી રહ્યાં છે.
હોસ્પિટલમાં ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ સાથે હાઈટેક ન્યુમેટિક ટ્યુબિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેના થકી લેબોરેટરી, ફાર્મસી સ્ટોરેજ કે બ્લડ બેંકમાંથી સેમ્પલ અને જરૂરી જીવનરક્ષક દવાઓ ક્ષણભરમાં સીધી ઓપરેશન થિયેટર સુધી પહોંચાડી શકાશે. દર્દીઓના સચોટ અને ઝડપી નિદાન માટે ઇકો, ઇસીજી, ડિજિટલ એક્સ-રે, સીટી સ્કેન અને એમઆરઆઈ જેવી અદ્યતન રેડિયોલોજી તથા પેથોલોજી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. ૩૮,၂૫૦ ચોરસ મીટરના વિશાળ પટાંગણમાં આકાર પામી રહેલા આ કેમ્પસમાં દર્દીઓનાં સગાંવહાલાં માટે રેન બસેરા, કિચન-ડાઇનિંગ તેમજ ૩૦૦ ટુ-વ્હીલર અને ૧૫૦ ફોર-વ્હીલર પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
