તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
મધ્ય ગુજરાત વૈશ્વિક વેપાર અને નિકાસનું શક્તિશાળી કેન્દ્ર બન્યું : નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 1.74 લાખ કરોડની નિકાસ સાથે ગુજરાતના વિકાસનો આધારસ્તંભ
29-30 જૂનના રોજ વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે યોજાનારી VGRC મધ્ય ગુજરાત 2026 પ્રદેશની ઔદ્યોગિક ક્ષમતા : રોકાણ તકો અને ભવિષ્યલક્ષી ક્ષેત્રોને આપશે નવી દિશા

ગાંધીનગર તા. 18 : ગુજરાતના આર્થિક વિકાસમાં મોખરે રહેતો મધ્ય ગુજરાત પ્રદેશ આજે વૈશ્વિક વેપાર અને નિકાસ ક્ષેત્રે પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી રહ્યો છે. પ્રદેશની આ ઔદ્યોગિક અને નિકાસ ક્ષમતાને રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવા રાજ્ય સરકાર દ્વારા આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - VGRC મધ્ય ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સ તારીખ 29 અને 30 જૂન, 2026 દરમિયાન વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે યોજાશે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ રિજનલ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાવાર વિકાસની વિશેષતાઓને ઉજાગર કરવાનો, સ્થાનિક ઉદ્યોગોને નવી તકો સાથે જોડવાનો અને વૈશ્વિક રોકાણકારો સમક્ષ પ્રદેશની ક્ષમતાઓને રજૂ કરવાનો છે. સાથે જ સ્થાનિક પડકારોને ઓળખી તેમના ઉકેલ માટે અસરકારક માર્ગદર્શન અને સહયોગનું માળખું ઊભું કરવામાં આવશે.
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન મધ્ય ગુજરાત પ્રદેશે વિશ્વના 210થી વધુ દેશોમાં આશરે રૂ. 1.74 લાખ કરોડના માલની નિકાસ કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ રૂ. 41,346 કરોડની નિકાસ સાથે સૌથી મોટું બજાર રહ્યું.
નિકાસમાં ફાર્માસ્યુટિકલ્સ રૂ. 31,061 કરોડ સાથે સૌથી અગ્રણી રહ્યા. ભારે મશીનરી અને યાંત્રિક સાધનો રૂ. 23,585 કરોડ, ઇલેક્ટ્રિકલ મશીનરી રૂ. 15,124 કરોડ, રોડ વાહનો અને ભાગો રૂ. 12,418 કરોડ તથા ઓર્ગેનિક કેમિકલ્સ રૂ. 12,248 કરોડની નિકાસ નોંધાઈ.
જિલ્લાવાર અમદાવાદ રૂ. 97,752 કરોડની નિકાસ સાથે 56% હિસ્સો ધરાવે છે. વડોદરાએ રૂ. 41,765 કરોડની નિકાસ કરીને મિકેનિકલ-ઇલેક્ટ્રિકલ સાધનોમાં મજબૂત સ્થિતિ દર્શાવી. ગાંધીનગર રૂ. 13,366 કરોડ, પંચમહાલ રૂ. 11,707.90 કરોડની નિકાસ સાથે આગળ છે. આણંદ, ખેડા, નર્મદા, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર પણ ફાર્મા, પ્લાસ્ટિક, કપાસ, ફૂડ પ્રોસેસિંગ, મસાલા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.
મધ્ય ગુજરાત ફાર્મા, બાયોટેક, એન્જિનિયરિંગ, કેમિકલ-પેટ્રોકેમિકલ્સ, ઓટો, IT અને નાણાકીય સેવાઓમાં તો મજબૂત છે જ, સાથે હવે સેમિકન્ડક્ટર-ઇલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ-ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન એનર્જી જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. VGRC આ ઉભરતા ક્ષેત્રોમાં નવા રોકાણોને આકર્ષવા અને MSME, સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક બજારો સાથે જોડવા માટે સશક્ત પ્લેટફોર્મ બનશે.
DMICના પ્રભાવ ક્ષેત્ર, ધોલેરા SIR, માંડલ-બેચરાજી SIR અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવા મેગા પ્રોજેક્ટ્સને કારણે અમદાવાદ, વડોદરા, આણંદ જેવા ઔદ્યોગિક વિસ્તારો દેશના મુખ્ય બંદરો સાથે ઝડપી અને કાર્યક્ષમ રીતે જોડાયેલા છે.
ગુજરાત સરકારની નવી ઔદ્યોગિક અને ટેક્નોલોજી આધારિત વિકાસ દ્રષ્ટિ સાથે સુસંગત રીતે VGRC મધ્ય ગુજરાત 2026 પ્રદેશને નવા રોકાણો, આધુનિક ટેક્નોલોજી, વૈશ્વિક ભાગીદારી અને રોજગારીની તકો તરફ આગળ ધપાવશે. આ કોન્ફરન્સ મધ્ય ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન, નિકાસ અને નવીનતાના શક્તિશાળી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
